મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં કાળઝાળ ગરમીને કારણે અગાશી ઉપર સુવા ગયેલા પરિવારને સૂતો રાખી તસ્કરો રૂ. 85 હજાર રોકડા તેમજ દાગીના સહીત કુલ રૂ. 1,95,250 ની માલમત્તા ચોરી જતાં મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે .
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જૂના ઘુંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા અને બાંધકામ લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા પ્રવિણભાઈ કરશનભાઇ ઝાલા અને તેમનો પરિવાર અસહ્ય ઉકળાટના માહોલમાં રાત્રીના અગાશી ઉપર સુવા ગયો હતો જ્યાં સવારે જાગીને નીચે આવતા મકાનના નકુચા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું જેથી પ્રવિણભાઈએ ચોરીના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરૂદ્ધ તેમના મકાનની તિજોરીમાં રાખેલ રોકડા રૂપિયા 85 હજાર, બે સોનાની વીંટી (કીં.રૂ. 74,300), એક સોનાની ચેઈન (કીં.રૂ. 27,200) તથા ચાંદીના પગના 2 સાંકળા (કિં.રૂ. 8930) સહિત કુલ રૂપિયા 1,95,250 ના મુદ્દામાલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેને પગલે પોલીસે ગુન્હો નોંધીને તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.


