અભ્યાસમાં અવ્વલ મેરૂપર પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા નવતર પહેલ
હળવદ : વર્ષો પહેલા રાજાશાહી વખતમાં રાજા પોતાના મહેલમાં ઉનાળાના સમયમાં ખાસ ફૂલો અને ઔષધીયુક્ત સ્નાન કરવા પાણીનો ખાસ હોજ તૈયાર કરી ઠંડક મેળવતા હતા ત્યારે આવી જ રીતે હળવદ તાલુકામાં અભ્યાસમાં અવ્વલ આવતી મેરૂપર સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ નવતર પહેલ કરી રાજા સમાન બાળકોને ઔષધીયુક્ત સ્નાન કરાવવા શાળામાં જ ખાસ હોજ બનાવ્યો છે અને આ હોજમાં બાળકો શાહી સ્નાન કરી ઉનાળામાં ઠંડક મેળવે છે.
સરકારના ગ્રીન સ્કૂલ પ્રોજકેટ હેઠળ હળવદ પંથકની એક ડઝન જેટલી શાળાઓ એકદમ લીલાછમ ઉપવન જેવી બની ગઈ છે. મોટા ભાગની તમામ શાળાઓના ગાર્ડનમાં વધુમાં વધુ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. શાળામાં જ્યાં જુઓ ત્યાં લીલીછમ હરિયાળી છવાયેલી છે. શાળાનું વાતાવરણ એકદમ શુદ્ધ જોવા મળી રહ્યું છે એમાંય હળવદ પંથકની મેરૂપર સરકારી પ્રાથમિક શાળા જુઓ તો સરકારી શાળા વિશેનો ખ્યાલ જ બદલાય જાય, અહીં ઘેઘુર લીલાછમ વૃક્ષ, સુંદર શાળાના ઓરડા અને ચોખ્ખા ચણક વાતાવરણ વચ્ચે શિસ્તબદ્ધ સૈનિકો જેવા બાળકો જ નજરે પડે.
હાલ ઉનાળાની ઋતુ જોતા અહીંના પ્રયોગશીલ બાળકોને પોતીકા બાળકો જ સમજતા સમર્પિત શિક્ષકો દ્વારા બાળકો માટે સમગ્ર ભારતભરમાં ક્યાંય ન હોય તેવી સુવિધા વિકસાવવામાં આવી છે. અગાઉના જમાનામાં જેમ રાજા મહારાજા શાહી સ્નાન કરતા તેવી જ રીતે પોતાની શાળાના બાળકોને રાજા મહારાજા માનતા શિક્ષકો દ્વારા અહીં એક ખાસ પાણીનો હોજ બનાવી તેમાં વિવિધ સુગંધી ફૂલો અને ઔષધીઓનું મિશ્રણ કરી શાહી સ્નાન કરાવવામાં આવે છે અને બાળકો હોંશભેર પાણીમાં ધુબાકા મારી મોજમસ્તી કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગત પાંચ સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રુ. 51 હજાર અને પ્રશસ્તિપત્ર આપી આ શાળાના આચાર્ય ધનજીભાઈ ચાવડાને સન્માનિત કરવામા આવ્યા હતા અને બેસ્ટ શિક્ષકના એવોર્ડ સાથે 51 હજારનો ચેક અર્પણ કર્યો હતો ત્યારે ધનજીભાઈ ચાવડાએ પોતાને મળેલ રુ. 51 હજારની ધનરાશી પોતાની શાળામાં બાળકો માટે શાહી સ્નાનની હોજ અને બાલ ક્રિડાંગણ બનાવવા અર્પણ કરી હતી.