રાજકીય-સામાજીક આગેવાનો સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા
હળવદના શકિતનગર ખાતે આવેલ નકલંક ગુરુધામ ખાતે ગૌશાળાના લાભાર્થે ગત તા. 18 એપ્રિલથી 24 એપ્રિલ સુધી રામદેવ રામાયણ કથાનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા રાધે કૃષ્ણ શાસ્ત્રીજી દ્વારા કથાનું અમુતપાન કરાવવામાં આવ્યું હતું. આ કથામાં રામદેવપીરનો જન્મ, રામદેવ વિરમદેવના વિવાહ, સગુણાબેનના લગ્ન, હરજીભાઠીનું મિલન સહિતના પ્રસંગોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને રોજ સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કથાના સમાપન દિવસે 51 કુંડી વિષ્ણુયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. નકલંક ગુરૂધામના મહંત દલસુખરામ મહારાજ, ગુણવંતી દેવી લેસ્ટર, પીપળી ધામ મહંત વાસુદેવબાપુ, મુખી મહારાજ તેમજ અનેક સંતો મહંતો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. યોગી મહારાજ તેમજ નકલંક ગુરુધામના સ્વયંસેવકો દ્વારા ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કથા સમય દરમિયાન ભોજન, ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.
