રેવન્યુ વકીલ મંડલ દ્વારા રજૂઆત
મોરબી જીલ્લાનો અવિરત વિકાસ થઈ રહ્યો હોવાથી મોરબીમાં દસ્તાવેજો થવાનું પ્રમાણ વધારે હોય છે. મોરબીમાં દરરોજ જેટલા દસ્તાવેજો નોંધણી માટે તૈયાર થાય છે તેટલા દસ્તાવેજોના ઓનલાઈન ટોકન મળી શકતા ન હોય મોરબી સબ રજીસ્ટ્રાર કચેરીમાં હાલમાં આશરે 12 દિવસ જેટલું વેઈટિંગ થઈ ગયેલ છે. આથી વકીલોને તથા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કારણકે બેંક તરફથી લોનનો ચેક ઈસ્યુ થાય ત્યાંથી વ્યાજની ગણતરી શરૂ થઈ જતી હોય છે જ્યારે સરકારમાં નોંધણી ફીની ઓનલાઈન રકમ ભર્યા બાદ દસ્તાવેજ કે મોર્ગેજ કરવામાં 12 થી 15 દિવસ રાહ જોવી પડે છે.
આથી દસ્તાવેજોની સમયસર નોંધણી થઈ શકતી ન હોય લોકોના આર્થિક શેડ્યુલ ખોરવાઈ જાય છે. આથી દસ્તાવેજની નોંધણી સત્વરે થાય તે માટે બે દસ્તાવેજ વચ્ચેનો સમય 10 મિનિટમાંથી ઘટાડી 5 મિનિટ કરવા અથવા સબ રજીસ્ટ્રાર કચેરીનો સમય સાંજે 5:00 ને બદલે 6:00 વાગ્યાનો કરવા માંગ કરવામાં આવી છે. આ બાબતે રેવન્યુ બાર એસોસિએશન, મોરબી રેવન્યુ વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ રાજપરાના કહેવા મુજબ જો આ અંગે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દસ્તાવેજના ટોકન મેળવવામાં 15 થી 20 દિવસનું વેઈટિંગ થતાં વાર નહીં લાગે જેને નિવારવા માટે નોંધણી સર નિરીક્ષક, ગાંધીનગરની કચેરીને રજુઆત કરવામાં આવેલ છે.