હળવદ પંથકમાં ખનીજચોરીનું પ્રમાણ ખુબ જ વધ્યું છે અને ગેરકાયદેસર રેતી ભરેલ કાળમુખા ડમ્પરોને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે હળવદની વેગડવાવ ફાટક પાસેથી હળવદ પોલીસે ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રકને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદની બ્રાહ્મણી નદીમાં રેતીચોરીનો ધંધો બેફામ બન્યો છે જેમાં ખાસ તો નંબર પ્લેટ વગરના પણ ડમ્પરો દોડી રહ્યા છે ત્યારે ગઈકાલે હળવદ પોલીસે દરોડો પાડીને હળવદની વેગડવાવ ફાટક પાસેથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રક GJ-36-V-6038 ને ઝડપી પાડીને મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પી.આઈ. કે.જે માથુકિયાએ પકડાયેલ ટ્રકચાલક સામે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. ખાસ તો મુખ્ય વાત એ છે કે, હળવદ પંથકમાં ગેરકાયદેસર રેતીચોરીનો ધંધો ખુબ ફૂલ્યોફાલ્યો છે જેમાં અનેક ટ્રકો ચાલી રહ્યા હોવા છતા પોલીસ તંત્રને માત્ર એક જ ડમ્પર હાથે લાગ્યું ? તેવા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આથી રેતીચોરીના ધંધા પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.