માળીયા તાલુકાના આમરણ પંથકમાં આવેલ બોડકી ગામે છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ન આવતા ગ્રામજનોની હાલત કફોડી બની છે. પીવાનું પાણી મેળવવા માટે લોકોએ પાંચ કિલોમીટર દૂર જવું પડે છે ત્યારે માંડ માંડ એકાદ બે બેડા પીવાના પાણીનાં હાથ લાગે છે.
ચુંટણી સમયે સબકા સાથ સબકા વિકાસના બણગા ફૂંકતા નેતાઓ હાલ આ પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવા નિષ્ફળ રહ્યાં છે. બોડકીના ગ્રામજનો દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારીયાને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી હતી જે અંગે નિરીક્ષણ કરેલ હોવા છતાં પીવાના પાણીની સમસ્યાનો આજ દિન સુધી કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી જેનું મુખ્ય કારણ એ છે કે, પીપળીયા સંપમાંથી જે પાણીની લાઈન આવી રહી છે તેમાં સાત કરતાં વધુ ગામના કનેક્શન આપેલા હોય છેવાડાના બોડકી ગામ સુધી પીવાનું પાણી પહોંચતું નથી.

ગ્રામજનોની રજૂઆત બાદ હજનાળી સંપમાં પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી પરંતુ આમરણ ચોવીસીના 14 ગામોએ વિરોધ કરતાં બોળકી ગામનું પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હોય હાલ બોળકી ગામને પીવાનું પાણી મળતું ન હોવાથી ગ્રામજનો પાંચ કિલોમીટર દૂર રાજપર, દહીસરા ગામ ખાતેથી પીવાનું પાણી ભરવા મજબુર બન્યા છે. તળાવનું પાણી દુર્ગંધ મારતું હોય પીવા લાયક ન હોય અને નજીકના વિસ્તારમાં દરિયો હોય બોરનું પાણી પણ ખારું નીકળતા પીવાના પાણી તરીકે તેનો ઉપયોગ થઈ શકતો નથી માટે નાછૂટકે ગ્રામજનો પૈસા ખર્ચીને પીવાના પાણીનું ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે જેથી વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો સુખદ અંત આવે તેવું તંત્ર પાસે ગામલોકો ઈચ્છી રહ્યા છે.
