માળીયા : ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા તા. ૧૮/૦૪/૨૦૨૨ થી તા. ૨૨/૦૪/૨૦૨૨ દરમિયાન દરેક તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબી જીલ્લામાં કલેક્ટરના વડપણ હેઠળ અને જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન થકી જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મોરબી દ્વારા માળીયા તાલુકામાં તાલુકા કક્ષાએ આરોગ્ય સેવા યોજવા માટેનું આયોજન કરેલ છે જેમાં તા. ૨૧/૦૪/૨૦૨૨ ના રોજ માળીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે આરોગ્ય મેળો યોજાનાર છે જેથી આ મેળાનો વધુમાં વધુ લાભાર્થીઓને લાભ લેવા માળીયા તાલુકા વહીવટી તંત્ર વતી મામલતદાર, તાલુકા હેલ્થ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડના મેડિકલ ઓફિસર દ્વારા માળીયા તાલુકાના લોકોને અપીલ કરવામાં આવી છે.
આ મેળામાં લાભાર્થીઓને યુનિક હેલ્થ આઈડી કાર્ડ અને PMJAY કાર્ડ કાઢી આપવામાં આવશે જેના માટે લાભાર્થીનું આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકનો દાખલો (ચાલુ નાણાકીય વર્ષથી ત્રણ વર્ષ જૂનો નહીં) જેવા ડોક્યુમેન્ટ સાથે જે વ્યકિતનું કાર્ડ કઢાવવાનું હોય તેને રૂબરૂ આવવાનું રહેશે. આ ઉપરાંત જુદા જુદા તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિદાન, લેબોરેટરી સેવાઓ, મફત દવાઓ અને મફત સારવાર તેમજ જરૂર જણાયે રેફરલ સેવાઓ પૂરી
પાડવામાં આવશે. નિરામયગુજરાત અંતર્ગત ડાયાબીટીસ, બીપી, કેન્સર, માનસિક રોગોનું નિદાન, ચેપી રોગો અને બિનચેપી રોગોના અટકાયતી ઉપાયો વિષે આરોગ્ય જાગૃતિ માટે લોકોને માહીતી પૂરી પાડવામાં આવશે.
તદુપરાંત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જુદી જુદી આરોગ્ય સેવાઓ અને જાણકારી પૂરી પાડવામાં આવશે. પ્રજનન અને બાળ આરોગ્ય કુટુંબ કલ્યાણ શાળા આરોગ્ય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ ટી.બી મુક્ત ભારત વગેરે વિષે જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. તમાકુ આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન તથા અંધાપા નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતીયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે.