માળીયા : ઉનાળાની કાળઝાળ ગરમી અને પીવાના પાણીની વ્યવસ્થા ન હોય તો શું હાલત થાય એની કલ્પના માત્રથી પરસેવો છૂટી જાય છે તો રણ વિસ્તારમાં આકરા ઉનાળાનાં ધોમધખતા તાપમાં મીઠું પકવતાં અગરીયાઓના પરિવાર માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોરબી જીલ્લાના માળીયા મીંયાણા તેમજ હળવદ તાલુકા વિસ્તારમાં કચ્છના નાના રણ આસપાસ આવેલ 10 એકરથી પણ વધુ વિસ્તારમાં પથરાયેલ મીઠાના રણમાં હજારો પરિવાર મીઠું પકાવવાનો વ્યવસાય કરી પોતાનું જીવન ગુજારી રહ્યા છે ત્યારે અગરિયા પરિવારને રણ વિસ્તારમાં પીવાના પાણી માટે તરફડવું ન પડે તે માટે પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર વાંકાણી, નાયબ કાર્યપાલક ઈજનેર વર્મા અને ખ્યાતીબેન મોદી સહિતની ટીમ દ્વારા અગરિયા હિતરક્ષક સમિતિના મારુતભાઈ બારૈયાના સહયોગથી રણ વિસ્તારમાં અગરિયા માટે પીવાના પાણીના ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે.