Sunday, May 4, 2025

મોરબીના યંગ ઈન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી થશે

Advertisement
Advertisement
Advertisement

નારી શક્તિની ભાવવંદના કરવા સ્કાય મોલ ખાતેથી સાંજે 4 વાગ્યે ભવ્ય શક્તિ વંદના રેલી યોજાશે

ટાઉનહોલ ખાતે સાંજે 5:30 થી 7:00 વાગ્યા સુધી મહિલાઓ માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહિલા જાગૃતિ વિષયો પર તજજ્ઞોના વક્તવ્યનો કાર્યક્રમ યોજાશે

મોરબી : નારી તું નારાયણી… એક નારી સબ પે ભારી…નારી એ સ્વયં માં દુર્ગાનો અવતાર છે. તેમાંય આજે તો મોટાભાગની સ્ત્રીઓ સ્વાવલંબી બની દરેક ક્ષેત્રમાં પુરુષોને પણ પાછળ છોડી દીધા છે ત્યારે ઘર હોય કે ઓફીસ દરેક ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર પ્રત્યેક નારી શક્તિને બિરદાવવાનો અમૂલ્ય અવસર એટલે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આથી મોરબીમાં દરેક પર્વની અનોખી ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા વિંગ દ્વારા આગામી 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. નારી શક્તિની ભાવવંદના કરવા અને સ્ત્રી શક્તિનો અવતાર ગણાતી નારીનું સ્વમાન જળવાઈ રહે અને સમાજમાં મોભાદાર સ્થાન મેળવે તે માટે પ્રોત્સાહિત કરવા માટે આ ઉમદા પહેલ કરાઈ છે.

મોરબીમાં યંગ ઈન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા 8 માર્ચે મહિલા દિવસની વિશેષ ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે 8 માર્ચ, મંગળવારે, સાંજે 4:30 વાગ્યે, સ્કાય મોલ, શનાળા રોડ ખાતેથી મહિલાઓની ભવ્ય “શક્તિ વંદના” રેલી યોજાશે જે શહેરના રાજમાર્ગો પર ફરી ટાઉનહોલ, મોરબી નગરપાલિકા કચેરી ખાતે પહોંચશે. આ રેલીમાં જીપ, કાર, બુલેટ, બાઈક, સ્કૂટર સાથે મોટી સંખ્યા મહિલાઓ જોડાશે તેમજ રેલીમાં સ્ત્રી શક્તિના પાત્રોની વેશભૂષા સાથે પણ બાળાઓ અને મહિલાઓ જોડાશે.

રેલી બાદ ટાઉનહોલ ખાતે સાંજે 5:30 થી 7:00 વાગ્યા સુધી મહિલાઓ માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહિલા જાગૃતિ વિષયો પર તજજ્ઞોના વક્તવ્યનો કાર્યક્રમ યોજાશે. યંગ ઈન્ડિયા મહિલા ગ્રુપ દ્વારા મહિલા દિવસ નિમિતે યોજાનાર શક્તિ વંદના રેલીમાં તેમજ રેલી બાદ ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં તમામ મહિલાઓને જોડાવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે. શક્તિ વંદના રેલીમાં કાર, બાઈક સાથે જોડાવવાની ઈચ્છા ધરાવતી મહિલાઓ તેમજ આ રેલીમાં વેશભૂષા સાથે પોતાની બાળાઓ અને પરિવારની મહિલાઓને ભાગ લેવા માટે તેમજ વધુ વિગત માટે નીચેના સભ્યોનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

રંજનબેન : 9512085444
ધરતીબેન : 9825941704
વિશાખાબેન : 9925108743
મયુરીબેન : 9275951954

યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ આ અંગે જણાવ્યું હતું કે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમોનમ:। અર્થાત આપણી ભારતીય સંસ્કૃતિમાં નારી પૂજનીય ગણાય છે. નારી વિના સંસાર સુનો છે. માતા, બહેન, પત્ની એમ અલગ સ્વરૂપે મહિલાઓ કુટુંબને સ્વર્ગ બનાવી દે છે. કુટુંબને સુખી રાખવા દરેક મહિલા પોતાનું અસ્તિત્વ ભૂલીને જાતને સમર્પિત કરી દે છે. આવી દેવી શક્તિને ક્યારેય આપણે સારા બે શબ્દો પણ કહી શકતા નથી ત્યારે નારી શક્તિની ગરીમાની ભાવવંદના કરવાનો મહિલા દિવસ નિમિત્તે સુંદર અવસર આવ્યો છે. આપણે બધા સાથે મળીને ખરા દિલથી દરેક મહિલાઓનો આદર સત્કાર કરીને તેમને મનગમતા ક્ષેત્રે આગળ વધવાની તક મળે તેવા પ્રયાસો કરીએ અને વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અમારા મહિલા ગ્રુપ દ્વારા યોજનાર કાર્યક્રમમાં તમામે હાજર રહી નારી શક્તિની વંદના કરવા આહવાન કર્યું છે.

Related Articles

Total Website visit

1,502,734

TRENDING NOW