મોરબી : હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે જેમાં એમબીબીએસ ના અભ્યાસ માટે ગયેલો મોરબીનો પણ એક વિદ્યાર્થી યુક્રેનના ટર્નોપીલમાં ફસાયો હતો જે ગઈકાલે મોરબી પરત ફરતા સાંસદ સહિતના ભાજપ અગ્રણીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કુલદીપના પરિવારમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતા યુદ્ધમાં યુક્રેનમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે જેથી ભારત સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ઓપરેશન ગંગા શરુ કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના રવાપર ગામે રહેતા દવે પરોઠા વાળા દીપકભાઈ દવેનો પુત્ર કુલદીપ દવે યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ગયો હતો જે ત્યાં યુક્રેનના ટર્નોપીલમાં ફસાયો હતો જે વિદ્યાર્થી ગઈકાલે મોરબી પરત ફરતા સાંસદ મોહનભાઈ કુંડારિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તેમજ પ્રાંત અધિકારી ડી એ ઝાલા સહિતની ટીમે વિદ્યાર્થીના ઘરે જઈને તેના ખબર અંતર પૂછ્યા હતા અને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કુલદીપના પરિવારે વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

યુક્રેનથી પરત ઘરે ફરેલા કુલદીપ દવેએ ત્યાંની ભયાનક સ્થિતિ જણાવતા કહ્યું હતું કે, તેઓ એમબીબીએસના છઠ્ઠા વર્ષમાં અભ્યાસ કરે છે અને ત્રણ માસનો અભ્યાસ બાકી હતો ત્યારે યુદ્ધ ફાટી નીકળ્યું છે. કુલદીપ 24 તારીખે જ ત્યાંથી નીકળી ગયો હતો જોકે એર સ્ટ્રાઈકની સંભાવનાને પગલે મેયર તરફથી બંકરમાં જવા સૂચનાઓ આપવામાં આવી હતી જેથી બે દિવસ તે બંકરમાં પણ રહ્યો હતો. આ ઉપરાંત તે અન્ય વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે ચાર દિવસ ખાધા પીધા વગર રોમાનિયા બોર્ડર પહોંચવા માઈનસ ચાર ડિગ્રી તાપમાનમાં 8 કિમી ચાલીને ગયો હતો.
