મોરબીના રવાપર ઘુનડા રોડ પર માધવ ગૌશાળાની બાજુમાં આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર જ્યાં હજારો ઘાયલ અબોલ પશુ-પક્ષીઓએ સારવાર લઈ રહ્યા છે. સાથે જ આ કેન્દ્રમા તો અબોલ પશુ-પક્ષી, સાથે જ બાળકો માટે બાગ-બગીચા હિંચકા-લપસણીયા તેમજ ચંદ્રશેખર આઝાદની પ્રતિમાં મુકવામાં આવી છે. તો ચાલો જાણીએ વિગતવાર જાણીએ કર્તવ્ય જીવદયા કેન્દ્ર વિશે..

• કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં 50 સભ્યો
મોરબીમાં જીવદયા માટે જાણીતું એક માત્ર કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં 50 યુવાનોની ટીમ છે. અનેક યુવાનો અભ્યાસની સાથે આ સેવાકાર્યમાં પણ સહભાગી બને છે. આ સંસ્થા 4 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. યુવાનો પશુ-પક્ષીઓની સારવાર માટે ખડેપગે રહે છે.

• “મને બચાવો” ઉતરાયણ પર્વમાં પક્ષી બચાવો અભિયાન
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા હાલમાં ઉતરાયણ પર્વને લઈને ઘાયલ પક્ષીઓ માટે “મને બચાવો” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દર વર્ષે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઉતરાયણ પર્વમાં દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે યુવાનો ખડેપગે રહે છે. ગત વર્ષે કાતિલ દોરીથી ઘાયલ 120થી વધુ પક્ષીઓને કેન્દ્રના યુવાનોએ બચાવ્યા હતા.

• મને બચાવો નામના સંદેશ આપતા 700થી વધુ પોસ્ટરો વાહનોમાં લગાવ્યા
ઉતરાયણ પર્વ પેહલા જ ઘાયલ પક્ષીઓ માટે કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો દ્વારા “મને બચાવો” નામનો સંદેશ આપતા પોસ્ટરો વાહન પાછળ લગાડવામાં આવે છે. મોરબીના જુદા-જુદા સ્થળોએ ઉભા રહીને વિનામુલ્યે રિક્ષા પાછળ 700 તેમજ કારની પાછળ 80 જેટલા પોસ્ટર લગાડ્યા છે. પોસ્ટરમાં ઉતરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે તાત્કાલિક મો.75748 68886, 75748 85747 પર સંપર્ક નંબર આપવામાં આવ્યા છે.

• વૃક્ષારોપણ વિતરણ
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 25 હજારથી વધુ રોપાનું વિતરણ કરી ચુક્યા છે. તથા ગ્રુપના સભ્યો દ્વારા પણ મોરબી સહિત અનેક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.

• ચકલી ઘર તથા કુડાનું વિતરણ
કેન્દ્રના યુવાનો સતત સેવાકીય કાર્ય કરવા પ્રયત્નશીલ રહે છે. અને ઉનાળામાં દર વર્ષે ચકલીઓને રહેવા માટે ચકલી ઘર તથા પક્ષીઓના ચણ માટેના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. હાલમાં જ તા.29/12/21ના રોજ 4 હજારથી વધુ ચકલીઘરનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.

• પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો રેલી
મોરબીશહેરમાં પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના કારણે ગાય જેવા અનેક પશુઓ મોતને ઘાટ ઉતારતા આવે છે. પ્લાસ્ટિક એ સૌથી મોટો દુશ્મન છે જેવી જનજાગૃતિ સાથે મોરબીના જુદા જુદા પર્યાવરણ પ્રેમી લોકો અને સંસ્થા દ્વારા તા.24/06/18ના રોજ પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો રેલીમાં પણ કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો જોડાયા હતા. અને મોરબીમાં નગરપાલીકા દ્વારા જે વખતે અનેક લોકોને દંડ કરી પ્લાસ્ટિકનો નાશ કર્યો હતો.

• પાકિસ્તાન સહિત અખાતી દેશોમાં નિકાસ અને મીટ એક્સપોર્ટના વિરોધમાં સિગ્નેચર કેમ્પેઇન
દેશમાં ગુજરાત સહિતના બંદરો પરથી જીવતા પશુઓની નિકાલ માટે પાકિસ્તાન સહિતના અખાતી દેશોમાં નિકાસ અને મીટ એક્સપોર્ટ થતું હતું. જેથી ઠેર-ઠેર જીવદયા પ્રેમીએ વિરોધ દર્શાવ્યો હતો. તે વખતે મોરબીમાં પણ નવા બસસ્ટેન્ડ પાસે કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો દ્વારા સીગ્નેચર કેમ્પેઈન અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. જે સિગ્નેર સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાઈ હતી. સમગ્ર જીવદયા પ્રેમીઓના સર્જાયેલા વિરોધ બાદ કેન્દ્ર સરકારે દેશભરમાં જીવતા પશુઓની નિકાલ પર પ્રતિબંધ મુક્યો હતો.

• સાપને મારશો નહીં અમને કોલ કરી જાણ કરશો
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબી શહેરમાં ક્યાંય પણ સાપ દેખાય તો તેના માટે હેલ્પલાઇન નંબર રાખવામાં આવ્યો છે. તે નંબર પર જાણ કરતા સાપ પકડવા માટે દોડી આવી સાપને પકડી સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવે છે. 4 મહિનામાં 400 જેટલા સાપને પકડી જંગલ વિસ્તારમાં છોડી દેવાની કામગીરી કરી ચુક્યા છે. સાથે જ એનિમલ રેસ્ક્યુ કરી અનેક પશુઓને બચાવામાં આવ્યા છે.

• પ્રકૃતિના જતન માટે 3500 સીડબોલ તૈયાર કર્યા
કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પ્રકૃતિના જતન માટે 3500 સીડબોલ પશુપાલકો પાસે બનાવી રોજગારી પુરી પાડવામાં આવી હતી. સાથે જ પાણીના સંગ્રહ સ્થળે સીડબોલ ફેંકી વૃક્ષો ઉગાડવાનો નવતર પ્રયોગ પણ હાથ ધર્યા હતા.

• કેન્દ્રમાં અબોલ પશુ-પક્ષીઓ
મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો દ્વારા ચાર વર્ષથી અબોલ પશુ-પક્ષીઓની સેવાકિય પ્રવૃતિઓ કરી રહ્યા છે. જેમા અત્યાર સુધીમાં 6 હજારથી વધુ બિમાર અને ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરી ચુક્યા છે.

• કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં ચંન્દ્રશેખર આઝાદની પ્રતિમા તથા હનુમાન મંદિર
કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં ક્રાંતિકારી સેના તથા કેન્દ્રના યુવાનો દ્વારા ચંન્દ્રશેખર આઝાદીની પ્રતિમા મુકવામાં આવી છે. જેથી કેન્દ્રની મુલાકાતે આવતા બાળકો ક્રાંતિકારીઓ વિશે જાણે તેમજ બાવળિયા હનુમાનજી મંદિર બનાવવામાં આવ્યું છે. જેથી કેન્દ્રની મુલાકાતે આવતા લોકો ક્રાંતિકારી વિચારોની સાથે ધાર્મિક સ્થળના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. સાથે જ દિવાલો પર ચન્દ્રશેખર આઝાદના ચિત્રો જોવા મળે છે. નાના બાળકો રમી શકે તે માટે અહી બાગ-બગીચા અને હિંચકા તથા લપસણીયા સહિતની વસ્તુઓ મુકવામાં આવી છે.



