મોરબી: ગુજરાતના દરિયાકિનારાને ડ્રગ્સ માફિયાઓએ ટાર્ગેટ કર્યા છે. ત્યારે ગુજરાત પોલીસ પણ જુદા જુદા વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો છે. ડ્રગ્સના કાળો કાળોબારનો પર્દાફાશ થયો છે. છેલ્લા પાંચ મહિનામાં 21 હજાર 500 કરોડનો ડ્રગ્સ ઝડપાયો છે. જેમાં પોરબંદરમાંથી 150 કરોડ, મુદ્રામાંથી 21 હજાર કરોડ, ખંભાળિયાના આરાધના પાર્કમાંથી બે ભાઈ ઘરેથી 300 કરોડનો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારે વધુ મોરબીના ઝીંઝુડામાંથી રૂ.600 કરોડના ડ્રગ્સ સાથે ત્રણ ડ્રગ્સ માફીયાઓને ઝડપી લીધા છે.
ગુજરાત ATS અને મોરબી SOG ની ટીમે મોરબી તાલુકાના નવલખી બંદરની બાજુમાં આવેલ ઝીંઝુડા ગામે બે અલગ અલગ મકાનોમાં ગત રાત્રે રેઈડ કરી હતી. જ્યાંથી અંદાજીત 600 કરોડની કીંમતનું 120 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડીને ઓપરેશન પાર પાડ્યું હતું. આ કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ (રહે.બસ સ્ટેન્ડ રોડ, મેઇન બજાર, જોડાયા, જી.જામનગર), સમસુદ્દીન હુસૈનમીયા સૈયદ (રહે.ઝીંઝુડા તા.જી.મોરબી), અને ગુલામ હુસૈન ઉંમર ભગાડ (રહે.સલાયા દેવભૂમિ દ્વારકા)ની ધરપકડ કરવામાં આવી છે.
• આરોપી સમસુદિન ગામમાં દોરા-ધાગા કરાવતો
ડ્રગ્સ કેસમાં આરોપી સમસુદિન હુસૈનમિયા ગામમાં દોરા ધાગાનું કામ કરતો હતો. સૌરાષ્ટ્રભરમાંથી લોકો તેની પાસે જોવડાવવા અને દોરા ધાગા કરાવવા આવતા હતા. સમસુદિન મુળ અમરેલીના બાબરા તાલુકાના મિંયા ખીજડીયા ગામનો રહેવાસી છે. અને પિતા હયાત ન હોય જેથી માતાનું મૂળ ગામ ઝીંઝુડા ગામે છેલ્લા દોઢ વર્ષથી રહેવા માટે આવ્યો હતો.
• પાકિસ્તાનથી વાયા દ્વારકા જથ્થો મોરબીના ઝીંઝુડા પહોંચાડ્યાની કબૂલાત
ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં જપ્ત કરેલ હેરોઈન જથ્થો ગુલામ જબ્બાર અને ઈસા રાવએ પાકિસ્તાનના ઝાહીદ બશીર બ્લોચ પાસેથી પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મંગાવ્યો હતો. જેની ડીલીવરી ઓક્ટોબર ૨૦૨૧ના છેલ્લા અઠવાડિયામાં દરિયામાં લીધી હતી. અને દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે સંતાડ્યો હતો અને બાદમાં મોરબીના ઝીંઝુડા ગામ પહોંચાડ્યો હતો.
• ડ્રગ્સ માફિયા ગેંગ સાથે આરોપીઓનો સંપર્ક હોવાની આશંકા
ઝડપાયેલ આરોપી ગુલામ અને જબ્બાર અવારનવાર દુબઈ જતા હોય જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં હોવાની આશંકા ગુજરાત એટીએસ ટીમે વ્યક્ત કરી છે. અને પાકિસ્તાની ઝાહીદ બ્લોચ ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા વર્ષ ૨૦૧૮માં ૨૨૭ કિલો હેરોઈન ગુન્હામાં વોન્ટેડ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.