મોરબી: જીવ સેવા એજ પ્રભુ સેવાએ મંત્રને ચરિતાર્થ કરવા ઉત્સુક રહેતા મોરબીના મેહુલભાઈ ગાંભવાએ પોતાની ટીમ સાથે રસ્તે રઝળતા મનોરોગીને સ્નાન કરાવી, હાથ-પગના નખ કાપી અને સ્વચ્છ કરીને પૌષ્ટિક આહાર આપી મનોરોગીને માનવીય હૂંફ આપી હતી.

જેમાં મોરબી મેહુલભાઈ ગાંભવા તથા તેમની ટીમ દ્વારા દર રવિવારે મોરબીમાં રસ્તે રઝળતા મનોરોગીની સેવા કરવાનો સંકલ્પ લીધો છે. અને દર રવિવારે મોરબીના જાહેર માર્ગો પર તેમની ટીમ ફરીને મનોરોગીને નવડાવીને સ્વચ્છ કરી સેવાકાર્ય કરવાની કામગીરી હાથ ધરી છે. જેમાં આજે રવિવારના રોજ મોરબીના ઉમિયા સર્કલ નજીક મનોરોગીને કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે લઈ આવી મેહુલભાઈની ટીમ દ્વારા નવરાવી, હાથ-પગના નખ કાપી તેમજ બાલ-દાઢી કરીને સ્વચ્છ કર્યા હતા. બાદમાં પૌષ્ટિક આહાર યુક્ત નાસ્તો કરાવી નવા કપડાં પહેરાવ્યા હતા.