મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ તથા હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે. આ ચૂંટણી મુક્ત-ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને લાગુ મત વિસ્તારમાં સુલેહ-શાંતિ તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે આગામી તા.૦૮-૧૦-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન પેટાચૂંટણી મતદાન વિસ્તારમાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે.
આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે સભા સરઘસની મંજુરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરવામાં આવે છે. તથા સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે. આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.