જાહેરનામું: મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા
મોરબી જિલ્લાની મોરબી તાલુકાની ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તારના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે આ પેટાચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા નિવારક પગલાના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવા જરૂરી હોઈ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયાર પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજ્યના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેવા હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા. આ સમયગાળા દરમિયાન હથિયાર ખરીદ વેંચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેંચાણ કરશે તો પણ આ પેટાચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે તા.૦૮-૧૦-૨૦૨૧ સુધી પરવાનાધારકને હથિયારની સોંપણી કરી શકશે નહી. આ આદેશ ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તાર પુરતો જ લાગુ પડશે.
આ આદેશ અન્વયે પેટાચૂંટણી મત વિસ્તારમાં માન્યતા ધરાવતી સીક્યુરીટી એજન્સીના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એટીએમ તથા કરન્સી ચેસ્ટ લેવડ – દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપી હોય તેમને આ આદેશ લાગુ પડશે નહી.