જુનાગઢ: હત્યાની કેટલીક ઘટનાઓ અવારનવાર રાજ્યમાંથી સામે આવતી હોય છે. થોડા સમય અગાઉ કચ્છના રાપરના ધોળા દિવસે અનુ.જાતિના વકિલ દેવજી મહેશ્વરીની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે ફરી વધુ એક અનુ.જાતિના વકીલની કેટલાંક શખ્શો નિશાન બનાવી ઘરમાં ધૂસીને હત્યા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ જુનાગઢમાં આવેલ મધુરમ વિસ્તારમા આવેલ મંગલધામ સોસાયટીમાં એડવોકેટ નિલેશ દાફડા તેમના બે પુત્ર તથા પત્ની સાથે રહેતા હતા. રવિવારની રાત્રીના સમયે વકીલ તેના ઘરે હતા. તે સમયે કોઈ ઇસમો વકીલના ઘરમાં ઘૂસી ગયા હતા. અને ત્યારબાદ વકિલના ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે.
વકીલની હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. હાલમાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહીતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર હાજર છે. પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં વકીલ નિલેશ દાફડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. પોલીસે વકીલ નિલેશ દાફડાને કોઇ વ્યક્તિની સાથે મનદુખ અથવા તો ઝઘડો હતા કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ આવી ઘટના કચ્છમાં આવેલ રાપરમાં પણ બની હતી. કચ્છમાં આવેલ રાપર શહેરમાં ધારાસભ્યના કાર્યાલય પાસે વકીલ દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરીની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની વાત કરવામાં આવે તો, સાંજે વકીલ ઓફિસે જઇ રહ્યા હતા. ત્યારે એક યુવાન છરી લઈને બહાર તેમની રાહ જોઈ રહ્યો હતો. જ્યારે દેવજીભાઈ ઓફીસના પગથિયાં ચડ્યાં કે હુમલાખોરે હુમલો કરીને લોહી લુહાણ કરી નાખ્યાં હતા. આની સાથે આરોપીએ તેમના પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા પછી ભાગી ગયો હતો. ત્યારપછી વકીલ દેવજીભાઈને ગંભીર રીતે ઘાયલ થતા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ત્યારે વધુ એક વકિલની હત્યાની ચકચાર મચી જવા પામી છે.