ટંકારા: ઓણ સાલ મેઘરાજાએ ખેડૂતોને હાથ તાળી આપી હોય તેવી સ્થિતિ વચ્ચે જો 28 દિવસ સતત વરસાદ ન પડે તો સરકાર જે તે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરી મળતી સરકારી સહાય ચૂકવતી હોય છે. પરંતુ ટંકારા તાલુકાના ખેડૂતોના નસીબ બે ડગલા પાછળ હોય 31 ઓગસ્ટ સુધીમાં 36 દિવસ વરસાદ વગરના રહ્યા બાદ ફક્ત 4 મીમી વરસાદ નોંધાતા હવે ટંકારા તાલુકો અછતમાંથી બહાર આવી ગયો છે. જો કે જમીની હકીકત જોઈ સરકાર જો વધુ વરસાદ ન થાય તો ખેડૂતોને લાભ આપવા વ્યાજબી નીતિ અપનાવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

ટંકારા તાલુકો છેલ્લા ચાર વર્ષથી અતિવૃષ્ટિનો સામનો કરી રહયો છે. ત્યારે ચાલુ વર્ષે-2021 માં મેધરાજા મનમુકિને વરસ્યા નહી એટલું નહી પરંતુ એક વિચિત્ર સ્થિતિ ટંકારા ઉપર રાખતા વિકટ સમસ્યા ઉભી થઈ છે. વાતજાણે એમ છે કે, મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ કોઈપણ તાલુકાના મામલતદાર કચેરી ખાતે નોધાયેલ વરસાદમાં સિઝનમાં 10 ઈંચથી ઓછો અથવા 31 ઓગસ્ટ સુધીમાં 28 દિવસ લગાતાર મેધમહેર ન થાય તો અનાવૃષ્ટિ ગણવામાં આવે એવો પરીપત્ર બહાર પાડેલ છે.
જેમા ટંકારા તાલુકાના મામલતદાર કચેરી ખાતે 27-જુલાઈથી 31 ઓગસ્ટ સુધીમાં એકપણ ટીપુ પાણીનું આકાશમાંથી પડ્યું નહી જેથી ઉભા મોલ મુરઝાઈ બળીને રાખ થઇ ગયા છે. હજારો ખેડૂતોને નુકસાન થયું પરંતુ માઠા વર્ષમાં ખેડૂતોના નસીબ પણ નબળા હોય એમ તા.31 સુધીમાં મામલતદાર કચેરી ખાતે 254 એટલે 10 ઈંચ ઉપર 4 એમએમ નોંધાતા અછત સહાયની જાહેરાતથી બહાર નીકળી ગયુ છે..! બીજી તરફ પિયત વિહોણા ખેડુતોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, પ્રેક્ટિકલ બની સવેદનશીલ નિર્ણય કરી તાત્કાલિક ટંકારા તાલુકામાં સર્વે કરી સહાય કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જે સમગ્ર ટંકારા તાલુકાના ખેડૂતોના હિતમાં અને હક્કમાં પણ છે.
