મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર આવેલી સાધુ વાસવાણી સિંધી સોસાયટીના પીવાના પાણી, રસ્તા અને ડ્રેનેજના પ્રશ્નો અન્વયે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ નગરપાલિકાના પ્રમુખ કે.કે. પરમારને તેમજ સિંધી સમાજના અગ્રણી અર્જુનભાઈ અને રાજુભાઇને સાથે રાખીને મુલાકાત લીધી હતી. આ સાધુ વાસવાણી સિંધી સોસાયટીના વરસાદી પાણીના નિકાલ માટે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી અગાઉ રૂ. ૩ લાખ ફાળવેલ હતા. તેનું ટેન્ડર બહાર પડી ગયેલ હોય વરસાદી પાણીના નિકાલની સમસ્યા દૂર થશે.

તદુપરાંત આ સોસાયટીના રસ્તાઓ પણ નગરપાલિકાએ મંજૂર કર્યા હોવાનું તેમજ ડ્રેનેજ અને લાઇટનો પ્રશ્ન પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે એમ પ્રમુખ કે.કે. પરમારે સ્થળ ઉપર જ જણાવેલું. સાધુ વાસવાણી સિંધી સોસાયટીના રસ્તાના કામોને તાંત્રિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આમ, ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સિંધી સમાજના આગેવાનો જ્યોતિરામ ટેકચંદ, ભગવાનજીભાઇ દામાણી, ગોવિંદભાઇ મેવાણી અને જવાહરભાઈ મેઘરાજમલ વિગેરેની ઉપસ્થિતિમાં આ પ્રશ્નો ઉકેલવા જાતે સ્થળ ઉપર જઈને કામનો નિકાલ આવે તેમ કર્યું હતું. જિલ્લા કિશાન મોરચાના અગ્રણી વસંતભાઈ કંઝારીયા આ તકે સાથે રહ્યા હતા. આ ઉપરાંત વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીનો પીવાના પાણીનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે.