મોરબી: મોરબીના શક્તિ ચેમ્બર નજીક ગઈ કાલે એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરતા મૃતકની હત્યા નિપજાવી હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં ૮૦ ફુટ રોડ દેવભગતની વાવની પાછળ ઈન્દિરા સોસાયટી હનુમાન મંદિર નજીક રહેતા ભુપતભાઇ ટપુભાઈ સોલંકીએ આરોપીઓ જાવેદ ઉર્ફે માયો રસુલભાઈ વાધેર (રહે. પુનમ કેસેટ, ઉપર,ડો, તખ્તસિંહજી રોડ મોરબી)તથા મુન્નો અલારખા પરમાર (રહે, વજેપરા , મોરબી) વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીના દિકરા રણજીત ભુપતભાઇ સોલંકી (ઉ.વ.૪૦, રહે હાલ ચેતનભાઈ રબારીની હોટલમાં લખધિરપુર મોરબી)ને આરોપી જાવેદ ઉર્ફે માયો રસુલ વાધેર અને મુન્નો અલારખા પરમાર એ મરણ જનાર ફરીયાદીના દિકરા રણજીતને ગાળો આપતા મરણ જનાર રણજીતે તમારા બંને થી શું થાય તેમ છે તેમ કહેતાં આરોપીઓએ રણજીતને શક્તિ ચેમ્બરની લોબી પરથી મારી નાંખવાની ઈરાદાથી ઉપાડી નીચે ઘા કરતા રણજીતને ગંભીર ઈજા પહોંચતાં તેનુ મૃત્યુ નિપજયું હતું.
આ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે બનાવની ફરીયાદનાં આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા.