મોરબી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલા દ્વારા ચારણ સમાજને “રાવણો ના ચારણ” એવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તેની સામે સમગ્ર ભારત વર્ષમાં ચારણ સમાજ રોષે ભરાયો છે. અને રાષ્ટ્રીય પ્રવક્તા આવી અભદ્ર ટીપ્પણી બદલ ચારણ સમાજની માફી માંગે એવી માંગ કરવામાં આવી છે. એ માટે રાષ્ટ્રીય કોંગ્રેસ ના અધ્યક્ષ ને સમગ્ર ભારતવર્ષના ચારણોએ આવેદન આવવાનું શરૂ કર્યું છે.
જે અંતર્ગત આજરોજ અખિલ ભારતીય ચારણ-ગઢવી મહાસભા યુવા મોરબી ટીમના અધ્યક્ષ ડો. કિશોરદાન ગઢવી આગેવાનીમાં મોરબીજિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય લલીતભાઈ કગથરાને રૂબરૂ આવેદન પાઠવીને સુરજેવાલા જાહેરમાં આવી મીડિયા સમક્ષ ચારણ સમાજની માફી માંગે તેવી પ્રબળ માંગણી કરી છે. અન્યથા આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ તકે ABCGMY મોરબી જિલ્લા અધ્યક્ષ ડો.કિશોરદાન ગઢવી, મોરબીના તાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડા,પ્રવક્તા સંજય ભા ગઢવી, ચારણ સમાજના માજી પ્રમુખ પ્રભાતદાન મિશણ, ઉપાધ્યક્ષ મહેશદાન ગઢવી, it પ્રભારી વિજયભા રતન, મીડિયા પ્રભારી મેહુલભા ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
