3 ઇડિયટ’ ફિલ્મ જેવા દ્રશ્યો મોડસર-મોખાણા વાડી વિસ્તારમાં સર્જાયા
તાલુકાના મોડસર-મોખાણા વાડી વિસ્તારમાં મહિલાને પ્રસવ પીડા ઉપડતા ધાણેટી પીએચસીના આરોગ્ય કર્મચારીએ પોતાની સુઝબુઝ અને તબીબી સલાહ લઇ ડિલીવરી કરાવી હતી. જેમાં જુડવા બાળકોની નોર્મલ ડિલીવરી સાથે ત્રણેયનો જીવ બચાવી લેવાતા પરિવારે આભાર માન્યો હતો.
ગઈકાલે રાત્રે 12. 30 વાગ્યે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર-ડગાળા ડી. કે. આહીરને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને સામેથી ખેત મજૂરે જાણ કરી કે વાડી વિસ્તારમાં 4 દિવસ પહેલા જ દાહોદથી મજૂરી માટે એક દંપતી આવેલ છે જેમાં બહેનને સગર્ભાવસ્થાની પ્રસવ પીડા ઉપડતા તેઓ પહોંચ્યા અને 108 ને જાણ કરી પણ એમ્બ્યુલન્સ કેસમાં હોઈ સ્થળ થી 50 KM દૂર ભુજ થી 108 એમ્બ્યુલન્સ આવી હતી. દરમિયાન સગર્ભા સાથે પરિવારમાં કોઈ સ્ત્રી ન હોઈ તેણે હકીકત ન જણાવી અને પ્રસવ પીડા વધી જતા પરિસ્થિતિને પામી ગયેલ MPHWએ રૂમમાં જઈ ચેક કરતા બાળકનું માથું બહાર આવતું દેખાતા તાત્કાલિક તબીબી સલાહ લઈ સફળ સુવાવડ કરાવાઈ હતી.
સુવાવડ પછી બહેનના પેટમાં હજી એક બાળક હોવાનું માલુમ પડ્યું જેમાં બાળક ઊંધું હોઈ પગ નીચે તરફ હોતા જોખમ જણાતા તાત્કાલિક નોર્મલ ડિલિવરી કરાવી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સ આવતા માતા અને બાળકોને જી. કે. જનરલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા. આરોગ્ય કર્મચારી ડી. કે આહિરે જણાવ્યું કે, એક MPHW તરીકે આ એક કઠિન પરીક્ષા હતી. એક ક્ષણ માટે મારા હાથ પગ ધ્રુજી ગયા પણ બીજી જ ક્ષણે પળનો વિલંબ કર્યા વિના કોઈની જિંદગી બચાવવાના આશયથી અનુભવ અને આવડતને ઉપયોગમાં લઇ પેરામેડિકલ સ્ટાફ તરીકે કોઈની જિંદગી બચાવવાની ફરજ બજાવી છે – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ