12 જાન્યુઆરી ‘યુવા દિવસ’
મોરબી: આજથી 158 વર્ષ પૂર્વ મકરસંક્રાંતિના રોજ સંવંત ૧૯૨૦(ઇ.સ ના 12 જાન્યુઆરી 1863)ના રોજ કલકત્તાના શ્રીમંત પરિવારમાં આ યુગપુરુષનો જન્મ થયો, અને સાંસારિક ઔપચારિકતા એ નરેન્દ્રનાથ વિશ્વનાથ દત્ત નામ અપાયું.
પિતા વિશ્વનાથ દુર્ગાચરણ દત્ત એ જમાનાના કલકત્તા હાઈકોર્ટેના નામી વકીલ, માતા ભુવનેશ્વરી દેવીની ધાર્મિક વૃત્તિ અને વિદ્વતા નરેન્દ્રને ધાવણના ઘૂંટડામાં જ ભેળવીને પાયા હતા જાણે, ભારતીય સનાતન ધર્મનું પાયાનું જ્ઞાન માતાજીએ જ આપ્યું જેથી કલા, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ અને એની ચરમસીમાએ સાધુત્વ આપ્યું હશે.

ઈ. સ. 1881માં લલિતકલાની પરીક્ષા ઉત્તીર્ણ કરી, ઉચ્ચ અભ્યાસ દરમીયાન જ નવેમ્બર 1881માં પરમચેતનના માનવીય રૂપ એવા શ્રીરામકૃષ્ણ પરમહંસને મળ્યાં બંને જીવે જન્મ જન્માંતરના નાતે એકબીજાને ઓળખી લીધા જાણે આવા ગુરુ-ચેલા યુગાંતરે મળતાં હશે, અને નરેન્દ્રએવા પ્રભાવિત થયાં કે ગુરુ રૂપ રામકૃષ્ણ પરમહંસની અમીટછવિ હૃદયમાં છાપી લીધી.
ઈ. સ. 1884માં કલાના વિષયમાં સ્નાતક થઈ અને મનોમંથનના અંતે 25 વર્ષની ઉંમરે ભગવા ધારણ કરી, ધર્મઉથ્થાનના માર્ગે ‘વિવેકાનંદ’ નામ ધરી, સાધું થઈ ડગ દીધાં.
સાધું તો ફરતા ભલાના વાદે ઈ. સ. 1890થી 1893 દરમિયાન પરિવ્રાજક રૂપે ભારતભ્રમણ શરૂ કર્યું.
ભારતભ્રમણ દરમિયાન ગૌ, બ્રાહ્મણ અને ધર્મના પ્રતિપાળ ક્ષત્રિય રાજવીઓ કલા અને પ્રતિભાના ગજબના પારખું હતાં, અને એના આશ્રયદાતા અને સંરક્ષક પણ હતાં. આ યુવા સાધુંની પ્રતિભા અને આભાને આ રાજવીઓએ ઓળખી લીધી અને ભારતભના આ ક્ષત્રીઓ એ વિવેકાનંદની યાત્રા દરમિયાન ખૂબ જ મદદ કરી,
સ્વામીજીની યાત્રાનો ઈ. સ. 1891 થી 1892 દરમિયાનનો મોટાભાગનો સમય સૌરાષ્ટ્રમાં પસાર થયો. વઢવાણ, લીંબડી ત્યાં ઠાકોર સાહેબ મહારાણા જયવંતસિંહજીને ત્યાં(વૃતાંત 02 વર્ષ અગાઉની પોસ્ટમાં લખ્યા મુજબ), ત્યારબાદ પાલીતાણા, ભાવનગર, જૂનાગઢ, સોમનાથ-વેરાવળ, દ્વારકા અને કચ્છના માંડવી અને ભુજમાં રોકાયા હતાં,
એ દરમિયાન પોરબંદરનો પ્રવાસ આજ નોંધનો વિષય છે, પોરબંદરમાં સ્વામીજી સુદામા મંદિરમાં ઉતર્યા અને સુંદામાંપુરીના શંકરજી પાંડુરંગજી પંડિત તેમને પોરબંદરના રાણા વિકમાતજી પાસે લઈ ગયા , વિકમાતજી(શાસન ઈ. સ. 1831 થી 1894)પોતે વિદ્વાન રાજવી હતાં, પારખું નજરે આ યુવાન સન્યાસીને પામી લીધાં અને પોતાના મહેલમાં આવકાર્યા 21 દિવસ રોક્યા અને એ દિવસો દરમિયાનના વેદ, પુરાણ, વેદાંગો, દર્શન અને તત્વના વિષયોની ચર્ચા /શાસ્ત્રાર્થના અંતે વિકમાતજી વિવેકાનંદ થી એટલા પ્રભાવિત થયા કે એમને વિવેકાનંદમાં યુગપુરુષના દર્શન થયાં અને એમને ધર્મના મહાન રક્ષક જાણી તા. 18 ઓકટોબર 1891ના રોજ ભગવી બરડાઈ પાઘ બંધાવી સમ્માન કર્યું. ત્યારબાદ સ્વામીજી ૦૪ મહિના પોરબંદરમાં ભોજેશ્વર બંગલામાં રહ્યાં જ્યાંથી વિકમાતજી એ સ્વામીજી માટે આજુબાજુના સ્થળે પ્રવાસની તમામ વ્યવસ્થા કરી આપેલી.
સૌરાષ્ટ્ર પ્રવાસ દરમીયાન જેતલસરના સ્ટેશન માસ્તર હરગોવનદાસ પંડ્યાએ આપેલી ખબર એ શિકાંગોમાં વિશ્વના ધર્મગુરુઓની સભા મળવાની છે, એ સભામાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ કરવા લિબડીના ઠાકોર સાહેબ જસવંતસિંહજી, પોરબંદરના જેઠવા રાણા વિકમાતજી સહિતના રાજવીઓની પ્રેરણા , સહાયથી સ્વામીજીનો શિકાંગોનો માર્ગ પ્રશસ્ત થયો.
શિકાંગોની ધર્મપરિષદ એ અમેરિકાની શોધ ને 400વર્ષ પૂર્ણ થયાં અને અમેરિકા એ ઔદ્યોગિક ક્રાંતિ કરી એ બાબતે વિશ્વને આંજવા યોજેલ ભવ્ય ‘વર્લ્ડ કોલોમ્બિયન એક્સહીબિશન’ (1લી મેં થી 30 ઓક્ટોબર 1893)ની એક નાનકડી ઈવેન્ટ હતી . પણ વિવેકાનંદના વક્તવ્યોએ ખૂબ મોટો પડઘો પાડ્યો, 11 સપ્ટેમ્બર 1893ના રોજ પ્રથમ વક્તવ્યના સંબોધન માત્રથી વિશ્વને મંત્રમુગ્ધ કર્યું, ત્યારબાદ અન્ય વક્તવ્યોથી ભારતની મહાન આર્ય સંસ્કૃતિ અને સનાતન ધર્મનો સાચો પરિચય સમગ્ર વિશ્વને કરાવી ભારતને વિશ્વગુરુ સાબિત જ કરી દીધું.
ત્યારબાદ સ્વામીજી એ ઘણા વિદેશ પ્રવાસો કરી ભારતીય આર્ય સંસ્કૃતિ અને સનાતન ધર્મના ઉતંગ વિચારો વિશ્વને આપ્યા.
પોતાના જ્ઞાન અનુભવે અનેક સાહિત્યિક રચનાઓ જગતને આપી જેમાં મેં વાંચેલી ‘સંગીત કલ્પતરું’, ‘કર્મયોગ’, ‘રાજયોગ’, ‘ભક્તિયોગ’ અદભુત છે, ઘણી ભાષાઓમાં સ્વામીજી એ સાહિત્ય રચ્યું હતું.
ઈ. સ.ની 04 જુલાઈ 1902ના રોજ નિત્યક્રમ પૂજાથી પરવારી સમાધિ અવસ્થામાં જ તેમની દિવ્ય તેજોમય આત્મા બ્રહ્મદનને વીંધી પરમતેજમાં વિલીન થઈ ગઈ. ત્યારે તેમની ઉમર માત્ર 39 વર્ષની હતી. બેલુરમાં ગંગા(હુગલી)ના ઘાટે ચંદનના લાકડે આ યુવાનો ના અદર્શની અંત્યેષ્ટિ થઈ.
સ્વામીજી પર તો જેટલું લખાય એ ઓછું જ છે, છતાં પ્રયાસ કરવાનું મન થાય એવું પ્રભાવક વ્યક્તિત્વ એટલે વિવેકાઆનંદ.
લેખન/સંપાદન : ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર)





