હળવદ તાલુકાના સમલી ગામે જુગાર રમતા છ ઝડપાયા.
હળવદ તાલુકાના સમલી ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર કલબ ધમધમી રહી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમી રહેલા વાડી માલિક સહિત છ શખ્સોને રૂપિયા 1,23,500 રોકડા સાથે ઝડપી લીધા હતા.
ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, સમલી ગામની સીમમાં કરાર તરીકે ઓળખાતી સીમમાં રાતાભેર જુના ગામમાં રહેતા આરોપી ભરતભાઇ જાદવજીભાઇ સિહોરાએ જુગાર કલબ શરૂ કરી છે. જે બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડતા વાડીની ઓરડીમાં જુગાર રમી રહેલ આરોપી ભરતભાઇ જાદવજીભાઇ સિહોરા, દયાળજીભાઇ ઉર્ફે હકો લાલજીભાઇ સારલા, લાલભાઇ વજાભાઇ ચૌહાણ વિજયભાઇ ખોડાભાઇ કુણપરા, પ્રાણજીવનભાઇ ઉર્ફે પ્રવિણભાઇ મહાદેવભાઇ ખાવડીયા અને જીલુભાઇ જાદવજીભાઇ કેરવાડીયા રહે.બધા રાતાભેર જૂના ગામ વાળા શખ્સો રોકડા રૂપિયા 1,23,500 સાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે તમામ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.