(અહેવાલ: ભવિષ જોષી – હળવદ)
હળવદ: ભાદરવા સુદ ચોથના દિવસે વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ ની સ્થાપના થાય છે. અને આ દિવસે વિઘ્નહર્તા ગણેશનું પુજન થાય છે. લોકો પોતાના શહેરોમાં શેરીઓમાં ભગવાન ગણેશની સ્થાપના કરે છે. આ વર્ષે હળવદમાં ઘરે ઘરે પણ ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે લોકોએ પોતાના ઘરોમાં ભગવાન ગણેશનું સ્થાપન કર્યું છે. અને હર્ષોલ્લાસ સાથે ભગવાન ગણેશની આરાધના કરે છે. ગણપતિ બાપ્પા મોરીયાના નારા સાથે લોકોએ ગણપતિ દાદાનું વેલ્કમ કર્યું. ભગવાન શંકર અને માતા પાર્વતીના પ્રીય પુત્ર ગણેશનું દરેક કાર્યો માં સર્વ પ્રથમ પુજન થાય છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, ભગવાન શિવ નો આખો પરિવાર પૂજાય છે. જેમાં ભગવાન ગણેશ સર્વ પ્રથમ પુજાય છે. હળવદમાં આશરે ૨૦૦૦થી વધુ ઘરોમાં ભગવાન ગણેશનું સ્થાપન કરવામાં આવ્યું છે. દરેક ઘરોમાં ગણપતિ દાદા બિરાજમાન થયા છે. અને ઘરને ખુબ જ સરસ રીતે સુશોભિત કરવામાં આવ્યા છે. ગણેશ મહોત્સવ મહારાષ્ટ્રનો લોકપ્રીય તહેવાર છે. પરંતુ હાલના સમયમાં દરેક રાજયોમાં આ તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે લોકો ઝુમી ઉઠે છે. આમ હળવદમાં પણ જાહેર શેરીઓ ચોક તેમજ ઘર ઘરમાં ગણપતિનું પુજન થાય છે.
