હળવદની શાળામાં વિદ્યાર્થીઓમાં ચૂંટણી પ્રક્રિયા તેમજ નેતૃત્વના ગુણ વિકસાવવા નવતર પહેલ
શાળા કક્ષાએથી જ બાળકો આપણી ચૂંટણી પ્રક્રિયાથી અવગત થાય મતદાનનું મહત્વ સમજે તે માટે વિવિધ પ્રયાસો અવાર-નવાર કરવામાં આવતા હોય છે જેમાં શાળાઓ પણ સહભાગી થઈને સહકાર આપવામાં આવે છે. આવી જ કઇંક નૂતન પહેલની સાક્ષી બની છે હળવદની ડી.વી.પરખાણી પે.સે.શાળા નં.૭ કે, જ્યાં બાળકોને જ ચૂંટણી પ્રક્રિયા તેમજ મતદાનનો સીધો ભાગ બનાવવામાં આવે છે.
હા, વાત છે હળવદની ડી.વી.પરખાણી પે.સે.શાળા નં. ૭ કે જેમાં બાળકોને ચૂંટણીનું પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય, બાળકોમાં નેતૃત્વના ગુણ વિકસે તે માટે દર વર્ષે શાળામાં શાળા પંચાયતની ચૂંટણી કરી પ્રમુખની નિમણૂક કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ચૂંટણી કરી પ્રમુખની વરણી કરવામાં આવી હતી.
આ ચૂંટણીમાં સાત ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી રીતુબેન રમેશભાઈ કુડેચા બહુમતીથી ચૂંટાઈને પ્રમુખપદના દાવેદાર બન્યા હતા જેમને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રક્રિયામાં શાળાના આચાર્ય અનિલભાઈ પટેલ, સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રી અને બી.એલ.ઓ. પંકજભાઈ લકુમ, બી.એલ.ઓ. અશોકભાઈ લખતરિયા, બી.એલ.ઓ. મહેશભાઈ માકાસણા, બી.એલ.ઓ. ધર્મેન્દ્રભાઈ મહેતા તથા સ્ટાફ પરિવારે સહકાર આપી બાળકોને ચૂંટણીના કાર્યનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો હતો. બાળકોએ પણ ચૂંટણીના આ પર્વને હર્ષથી વધાવી લીધો હતો.