• રાજ્યના નાગરિકોની ફરિયાદોનુ કાયમી નિવારણ કરવા અને કાર્યકર્તાઓને કેન્દ્રસ્થાને રાખવા મુખ્યમંત્રીએ વ્યકત કરેલી કટિબદ્ધતા
• વિવિધ ઔદ્યોગિક સમૂહોએ કરેલી મુખ્યમંત્રીનીરજતતુલા: પક્ષના હજારો કાર્યકરોની ઉપસ્થિતિ
મોરબી: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લા ભા.જ.પ.ના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ નવા વર્ષના આ પહેલા પ્રસંગે રાજ્યના નાગરિકોની ફરિયાદોનું કાયમી નિવારણ કરવા અને પક્ષના કાર્યકર્તાઓને કેન્દ્રમાં રાખીને ઉત્કૃષ્ટ કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મોરબીના ઔદ્યોગિક આલમની “સ્પર્ધા નહીં, પરંતુ સહકાર”ની ભાવનાથી કામ કરવાની કાર્યશૈલીની મુખ્યમંત્રીશ્રીએ સરાહના કરી હતી અને પક્ષની રાગ-દ્વેષવિહીન અને પરિવાર ભાવનાને વરેલી કાર્યપધ્ધતિની આછેરી ઝલક રજૂ કરી હતી.

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. “વંદે માતરમ”ના ગાન બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મોરબી જિલ્લા ભા.જ.પ.ના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું શાલ, પુષ્પગુચ્છ, ઘડિયાળ, સ્મૃતિચિહ્ન વગેરેથી સન્માન કર્યું હતું. મોરબી જિલ્લાના વિવિધ ઔદ્યોગિક સમૂહો તથા એસોસિએશનનો દ્વારા મુખ્યમંત્રીની રજતતુલા કરાઇ હતી. મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સંસદસભ્ય મોહનભાઇ કુંડારીયાએ પ્રાસંગિક પ્રવચનમાં ઉપસ્થિતોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. અને ખભે ખભા મિલાવી કામ કરવા પક્ષના કાર્યકર્તાઓને શીખ આપી હતી.

સ્નેહમિલનના આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ અમૃતિયા અને બાવનજીભાઈ મેતલિયા, વાકાનેરના રાજવી કેસરીદેવસિહ ઝાલા, અગ્રણી રાઘવજીભાઈ ગડારા, સાસંદ વિનોદભાઈ ચાવડા, ડો. દિપીકા સરડવા, પ્રશાંત કોરાટ, પ્રકાશ સોની સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
