લેખિકા -મિત્તલ બગથરીયા: શિક્ષણ એટલે શું ? બધાના પોત-પોતાના અલગ અભિપ્રાય હોય છે બ્રટન અનુસાર” શિક્ષણ એટલે શીખવાનું, પ્રેરણા, માર્ગદર્શન તથા પ્રોત્સાહન છે. ફિલિપ્સ અનુસાર “શિક્ષણ એક સંસ્થા છે ,જેનું કામ જ્ઞાન આપવાનું છે. ટૂંકમાં કહીએ તો શિક્ષણ એટલે વિદ્યાર્થીઓમાં રહેલી આવડત-કલા બહાર કાઢી એક મંઝિલ સુધી પહોંચાડવાનો હોય છે. આ બધું વિશિષ્ટ કાર્ય કરે છે કોણ ? તો એક શિક્ષક કે જે વિદ્યાર્થીઓમાં રહેલી આવડત શોધે છે. તેને અલગ-અલગ વિષયોનું જ્ઞાન આપે છે તેને માર્ગદર્શન-અભિપ્રેરણ આપી મંઝિલ સુધી પહોંચાડે છે.
શિક્ષણએ સેલ્ફ ડેવલોપમેન્ટ માટેનું એક અનિવાર્ય અભિન્ન અંગ છે . આજનો સમય જોતા એમ કહી શકીએ કે, બાળકો પોતાનો વધુ સમય શૈક્ષણિક સંસ્થામાં વધુ વિતાવે છે. માતા-પિતા કરતાં વધુ સમય તેઓ શિક્ષક સાથે વિતાવે છે. સ્કૂલ હોય ,કે કોલેજ કે, પછી ટ્યુશન ક્લાસીસ હોય કે, એક્સ્ટ્રા ક્લાસ વગેરે. બાળકોને શિક્ષકો પર વધુ વિશ્વાસ હોય છે, ત્યારે એક શિક્ષક તરીકેની જવાબદારી વધી જાય છે .તેઓને માત્ર વિષયલક્ષી જ્ઞાન આપવું એટલું પૂરતું નથી, પરંતુ વાસ્તવિક દુનિયામાં કેવી રીતે રહેવું એવું ગણતર પણ આપવાનું રહે છે. પરંતુ એક શિક્ષક તરીકે લખતા ખૂબ જ શરમ અને અફસોસ થાય છે કે, આજ-કાલ ઘણી બધી શાળા, કોલેજ, ક્લાસીસ કે યુનિવર્સિટીમાં છોકરીઓ ને ફેકલ્ટી દ્વારા હેરાન કરવામાં આવે છે. અથવા ફ્રેન્ડશિપનું પૂછવામાં આવે છે.
અવારનવાર ન્યૂઝમાં પણ અનેક આવા કેસો આપણે જોઈએ છીએ. સર ફેકલ્ટી દ્વારા છોકરીઓ સાથે આવું થયું અથવા મેડમ દ્વારા કોઈ છોકરા સાથે આવું થયું વગેરે વગેરે. તેઓની ઉંમર કાચી હોય છે, તેની માનસિક પરિસ્થિતિ સ્થિર હોતી નથી, તેઓ સંવેદનશીલ હોય છે. તેઓમાં શારીરિક અને માનસિક ફેરફાર એટલે કે હોર્મોનલ ચેન્જીસ આવતા હોય છે. તેઓનો આકર્ષણ નો સમયગાળો હોય છે. ત્યારે એક શિક્ષક તરીકે તેમને તેમાંથી ઉગારી અને સમજાવી આગળ લાવવાનો હોય છે. એક શિક્ષક તરીકે વિદ્યાર્થી ભાઈ અથવા બહેન સમાન હોય છે. પરંતુ અમુક શિક્ષકો તેમની નાદાની નો ફાયદો લઈ પોતાની હવસનો શિકાર બનાવે છે.
યુનિવર્સિટીમાં હાઈ કોલીફાઇડ ડિગ્રી લેતા વિદ્યાર્થીઓ પાસે અલગ પ્રકારની ડિમાન્ડ કરી પછી ડિગ્રી આપવામાં આવશે .આ કેટલી હદે વ્યાજબી કહેવાય ?એક શિક્ષક તરીકે વ્યાજબી છે ? અથવા મેનેજમેન્ટ માટે યોગ્ય છે ? માતા-પિતા માટે આ એક સતત ચિંતાનો વિષય બનતો જાય છે. સમાજ માટે સન્માન્ય ,આદર્શ અને પૂજનીય વ્યક્તિ હોય છે. તે જ આવું કરે તો માતા-પિતા પોતાના બાળકોને શિક્ષણ કોની પાસે અપાવે ? શિક્ષણ પર પ્રતિબંધ એ કઈ સોલ્યુશન નથી. માત્ર તેની શરૂઆત મેનેજમેન્ટ ટીમ દ્વારા થવી જોઈએ અને સાથે માતા-પિતા દ્વારા તેના બાળકોને માણસને ઓળખતા શીખવું જોઈએ.
આ મારું લખાણ કોઈને અયોગ્ય લાગી શકે આવું નથી, એમ પણ કહી શકે બાકી તો આસપાસ શું થઈ રહ્યું, છે ,ક્યાં શું ચાલી રહ્યું છે. તેનાથી કોઇ અજાણ પણ નથી આ વાત બધા માટે લાગુ નથી પડતી .અમુક શિક્ષકો ચારિત્રિક અને નિષ્ઠાવાન છે જેને બાળકો પોતાના ભગવાન સમાન માનતા હોય છે .બધા પ્રોફેશનમાં કોઈ ચાર- પાંચ વ્યક્તિ એવા હોય તો પ્રોફેશન ખરાબ નથી થતો. સારા અને નરસા બંને પ્રકારના લોકો જોવા મળે છે ,પરંતુ જ્યારે કાદવ ના છાંટા ઉડે ત્યારે બધાને ઉડે છે એવી પરિસ્થિતિ ઉદ્ભવે છે .તેથી આપણે ચારિત્રિક અને નિષ્ઠાપૂર્વક શિક્ષકની ફરજ બજાવી અને એક આદર્શ સમાજ માટે આદર્શ ઉદાહરણ પૂરું પાડીએ જો આપણે તેઓને મંઝીલ સુધી ના પહોંચાડી શકીએ તો તેઓની મંઝિલ ખરાબ પણ ન કરીએ તો એ પણ એક સમાજ સેવા જ છે.





