• મોરબી મુખ્ય શાકમાર્કેટમાં બે-બે ફુટ ગટરના ગંદા પાણી ભરાતા નર્કાગાર શાકભાજી લેવા આવતા ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ગયા
• સ્વાસ્થ્ય સાચવુ કે પેટ ભરવું નેતાઓ અને નગરપાલીકા ઉઠા ભણાવતા હોવાની રાવ ઉઠી શાકભાજી લેવા માટે આવેલા ૨૦ જેટલા લોકો ગટરના ગંદા પાણીમાં પડ્યા રોષ ભભૂકી ઉઠ્યો
મોરબી શહેર સીરામીક અને ઘડીયાળ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી વિશ્વ જગતમાં ડંકો વગાડી દુનિયા આખીનુ ધ્યાન કેન્દ્રિત કરવામાં સફળ રહ્યુ છે તે ઔધોગિક ક્ષેત્રે ગૌરવ લીધા જેવી બાબત છે. પરંતુ નેતાઓ માત્ર બણગા ફૂંકી વિકાસની વાતો કરી શહેરને સાફસુથરૂ રાખી ગ્રીન સીટીની બુમો પાડતા હોડીંગ્સ લગાવ્યા તે માત્ર કહેવા પુરતા જ હોવાનુ આ ગટરના વર્ષો જુના પડતર પ્રશ્નો પરથી કહી શકાય તેમા શંકાને કોઈ સ્થાન નથી કારણ કે રોજિંદી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ માટેનો વિસ્તાર ગારા કીચડ કે ગટરના ગંદા પાણીથી ખદબદતો હોય તે સ્થાનીક તંત્ર અને નેતા નગરપાલિકા માટે શરમજનક બાબત છે. સ્થાનીક લોકો તો ગટરના ગંદા પાણીમાં શાકભાજી ખરીદવા મજબુર બન્યા છે તે મજબુરી છે. પરંતુ ગામડે કે પછી બહાર રાજ્યના લોકો ખરીદી કરવા આવે એ આબરૂ લઈ જાય તેવો વિકાસ જોઈ મનમાં બે શબ્દો કહે તે નેતાઓ માટે અતિ શરમજનક બાબત છે.
ગુજરાતમાં મોરબી શહેર એક એવુ શહેર છે. જ્યાં ગટરના ગંદા પાણી વચ્ચે શાકમાર્કેટ ભરાતી હોય અને લોકો પણ મજબુરી વશ ગંદાપાણીમાં પસાર થઈને શાકભાજી ખરીદવા આવુ પડે છે. આજદીન સુધી શાકમાર્કેટમાં ભરાતા ગંદા પાણીનો નિકાલ કરી નથી શકયા તે હવે મોરબી રિવરફ્રન્ટની વાતો ગાંધીનગર સુધી પહોચાડી વિકાસની હરણફાળ ભરવા જઈ રહ્યા છે. તે સારી બાબત છે પરંતુ નેતાજીએ શહેરની અંદર શુ હાલત છે તે ઝાંખીને જોવાની જરૂર છે. કારણ કે પ્રથમ વરસાદે જ શાકમાર્કેટમાં વરસાદી પાણી સાથે ગટરના બે-બે ફુટ જેટલા ગંદાપાણીથી ચોમેર ગંદકીનુ સામ્રાજ્ય છવાઈ જતા શાકભાજી લેવા જતા લોકો બે ફુટના ગંદાપાણીમા ઘર માટે લીલા શાકભાજી લેવા મજબુરીથી જવુ પડતુ હોય છે.
ત્યારે ગંદાપાણીમાં પેટ ભરવા શાકભાજી લેવી કે સ્વાસ્થ્ય સાચવુ તે લોકો માટે મુંજાતો પ્રશ્ન ઉભો થયો છે, કેમ કે ગંદા પાણી વચ્ચે કપડા બગાડીને જવુ પડે છે જેમા કેવા પ્રકારના પાણીજન્ય રોગો થવાનો ભય શાકભાજી લેવા આવતા લોકોમાં સતાવી રહ્યો છે તેમજ શાકમાર્કેટમાં સિમેન્ટ બ્લોક પથરાયેલ હોવાથી પાણીના કારણે કયા ગટર કે ખાડો છે તે દેખાતુ ન હોવાથી ગૃહીણીઓ સહિત વીસેક જેટલા લોકો ગંદા પાણીમાં પડતા નાની મોટી ઈજાઓ થઈ હોવાનુ વેપારીઓ પાસેથી જાણવા મળ્યુ છે.
ત્યારે અત્યારે શાકમાર્કેટમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે અને ગટરની સફાઈ ન કરવાના કારણે ગટર બ્લોક હોવાથી ગંદાપાણીનો નિકાલ નથી જેના કારણે શાકમાર્કેટના વેપારીઓ અને ગૃહિણીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાકમાર્કેટમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદાપાણી ભરાતા પાણીમાં લીલા શાકભાજી તરતા દેખાય છે ત્યારે આવી પરિસ્થિતમાં લોકોના સ્વાસ્થય સાથે ચેંડા કરતા જેતે જવાબદાર સરકારના શુભચિંતકોએ ખરેખર લોકોની ચિંતા કરવાની જરૂર છે ત્યારે વેપારીઓ અને ગૃહિણીઓએ આ નર્કાગાર હાલતમાં રહેલી શાકમાર્કેટમાં ભરાતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરીને સમસ્યા હલ કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.