વીરપરના નવયુગ કા રાજાને ભવ્ય વિદાય : આસ્થાભેર ઉજવાયો મહોત્સવ
મોરબી તાલુકાના વીરપર ખાતે આવેલું નવયુગ ગ્રુપ ઓફ કોલેજ છેલ્લા અનેક વર્ષોથી ગણપતિ મહોત્સવને ભવ્યતા સાથે ઉજવવાની અનોખી પરંપરા જાળવી રહ્યું છે. આ વર્ષે પણ નવયુગ કા રાજા ગણપતિ બાપાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને સમગ્ર કેમ્પસમાં ભક્તિભાવ, ઉત્સાહ અને ઉમંગનું વાતાવરણ છવાઈ ગયું હતું.
દસ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવ દરમ્યાન રોજિંદી આરતી, ભજન-કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ પોતાની શ્રદ્ધા અને કળાત્મકતા દર્શાવતા સુંદર સજાવટ કરી હતી. મહોત્સવની સમાપન વિધિ અંતર્ગત આજે વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિસર્જન યાત્રા ભવ્ય માહોલમાં “અગલે બરસ તુમ જલદી આના”ના ગુંજતા નાદો સાથે કોલેજ કૅમ્પસમાંથી નીકળેલી. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો મોટી સંખ્યામાં જોડાયા હતા. માર્ગમાં ભક્તિગીતો, નૃત્ય અને ઊલ્લાસભેર નાદોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
વિસર્જન પૂર્વે વિનાયક બાપાની વિધિવત પૂજા-અર્ચના બાદ ભવ્ય ૨૫૬ ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જે કાર્યક્રમની વિશેષ આકર્ષણ બની રહ્યો હતો. દરેક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક અન્નકૂટનો લાભ લીધો.
આયોજનમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સમગ્ર સ્ટાફે પોતાની ફરજ અને સેવાભાવથી જોડાઈને મહોત્સવને સફળ બનાવ્યો હતો. ખાસ કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને શિસ્તબદ્ધ ભાગીદારી પ્રશંસનીય રહી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના વડા, પ્રોફેસરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પી.ડી. કાજીયા સાહેબે સમગ્ર નવયુગ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, “આવો મહોત્સવ માત્ર ધાર્મિક ભાવનાનો જ નહીં પરંતુ સામૂહિક એકતા, સંસ્કાર અને સમાજસેવાનો જીવંત સંદેશ આપે છે.”
નવયુગ ગ્રુપ ઓફ કોલેજના આ આયોજનને સ્થાનિક સ્તરે પણ ભારે સરાહના મળી રહી છે અને આવનારા સમયમાં આ પરંપરા વધુ ભવ્યતા સાથે આગળ વધે તેવા આશીર્વાદો પાઠવવામાં આવ્યા છે.





