વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરીની પાછળથી 20 વર્ષીય યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે તપાસ ચલાવી હતી અને પૈસાની લેતીદેતી મામલે બે શખ્સોએ યુવાનની હત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાવી છે.
વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ રોલેક્સ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની પુષ્પેન્દ્રકુમાર કુંજબિહારી પાલએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેનો ભાઈ મદનપાલ કુંજબિહારી જાતે. ભરવાડ (ઉં.વ. 20, રહે. નથુપુરા, તા.જી. મહોબા, ઉત્તપ્રદેશ) રાઘવેન્દ્ર રામકુમાર રાજપૂત (રહે. એન્ડીજાઈન કારખાનું માટેલ રોડ) અને અશ્વિન ઉદાભાઈ પગી (રહે. લાટો ટાઈલ્સ, સરતાનપર) પાસે પૈસા માંગતો હોય જેથી રાઘવેન્દ્રએ તેના ભાઈને ફોન કરીને પૈસા લેવા માટે બોલાવી ઢુવા નજીક સિરામિક પાછળ બંને ઈસમોએ મળીને મદનપાલની કોઈ પણ રીતે હત્યા કરી નાખી હોવાની શંકાને આધારે ફરિયાદ નોંધાવી છે જેથી વાંકાનેર તાલુકા પોલીસે બંને શકમંદ ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધીને બંનેને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.