વાંકાનેરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે ફીનાઇલ પીધું હોવાનું જાણવા મળ્યું છે. બે શખ્સોએ ઉંચા વ્યાજ દરે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરી માર મારતા યુવકે કંટાળી જઈ ફીનાઇલ પી લીધું હતું.આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ફરિયાદી મુસ્તુફાભાઇ શબીરભાઇ નોકડ (ઉ.વ.૨૪ રહે-વોરાવાડ નવાપરા જે.કે ટેઇલર્સ સામે વાંકાનેર) એ આરોપીઓ અનિલભાઇ બુટાભાઇ લામકા તથા ઘનાભાઇ મોનાભાઇ લામકા (રહે-બંને ભરવાડપરા વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તા.૧૫ ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામા વાંકાનેર વોરાવાડ ફરીયાદીના ઘર પાસે આવી અગાઉ ફરીયાદીને પોતાના ભંગારના ધંધામા પૈસાની જરૂરત હોય જેથી એક આરોપી પાસેથી છ મહિના પહેલા રૂ-૮૦,૦૦૦ વ્યાજે લીધા હતા.
તે પૈસાની ઉંચા વ્યાજ સહિત કુલ રૂ-૧,૫૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી આરોપીઓએ ફરીયાદી પાસે કરી ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે આવી અને ફરીયાદી પાસે પૈસાની ઉઘરાણી કરી ફરીયાદીને વાસામા ઢીકા તથા કેન લટકાવવાના લોખંડના સ્ટેન્ડ વતી વાસામા મુંઢમાર મારી તેમજ પેટના ભાગે પથ્થરથી મુંઢ ઈજા પહોચાડી હતી. આરોપીએ ઉંચા વ્યાજ દરે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદી કંટાળી જઇ ફીનાઇલ પી લીધું હતું.
યુવકે આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આઇ. પી.સી.કલમ-૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એ કલમ-૧૩૫ તથા મનીલેન્ડ એકટ કલમ-૫, ૪૦, ૪૨ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.