જય જય આદિનાથના ગગનભેદી જયઘોષ સાથે કાર્તિકી પૂનમ આગામી તા.૧૫ નવેમ્બરથી સુપ્રસિધ્ધ યાત્રાધામ પાલિતાણા ખાતે શેત્રુંજય ગિરિરાજની પાવનકારી યાત્રાનો પુન પ્રારંભ થશે. ગત ચોમાસુ ચાતુર્માસને લઈને બંધ રહેલી શેત્રુંજયની યાત્રા ફરી શરૂ થશે. આ સાથે તીર્થનગરી પાલિતાણા ખાતે જૈન સંઘમાં અનેરૂ મહાત્મ્ય ધરાવતી ૯૯ યાત્રા સહિતના અનેકવિધ ધર્મકાર્યોનો ધમધમાટ જામશે.જેથી દેશભરમાંથી આબાલવૃધ્ધ યાત્રિકોની અવરજવર વધી જશે.
પાલિતાણાના શેત્રુંજય ગિરિરાજની યાત્રા અષાઢ સુદ પૂનમથી કારતક સુદ ૧૪ સુધી બંધ રહેતી હોય છે. કારતક સુદ પૂનમ ને આગામી તા.૧૫ નવેમ્બરને શુક્રવારથી યાત્રાનો પ્રારંભ થાય છે. આ દિવસથી જૈન સમાજમાં તમામ ધાર્મિક કાર્યોનો પ્રારંભ થશે. કારતકી પૂનમે સાધુ ભગવંતો દ્વારા ધાર્મિક વિધિવિધાન મુજબ ઠાણા ઉઠાણા કરવામાં આવશે. પાલિતાણાની કારતક સુદ પૂનમની યાત્રા આડે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ યાત્રાને લઈને પાલિતાણાની ૬૦ ટકા ધર્મશાળાઓમાં એડવાન્સ બુકીંગ થઈ ગયેલ છે. હાલ ફકત ૪૦ ટકા ધર્મશાળાઓ જ ખાલી હોવાનું જાણવા સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, કારતકી પૂનમે દ્રવિડ અને વારિખિલ્લ ૧૦ કરોડ મુનિઓ સાથે કેવલ જ્ઞાાનને પ્રાપ્ત કરી અંતમુર્હૂતમાં મોક્ષપદને પામ્યા હતા. આ સાથે નારદજી પણ કારતકી પૂર્ણિમાના દિવસે ૯૧ લાખ મુનિવરોની સાથે અહિ કેવલજ્ઞાાન પામીને મોક્ષે ગયા હતા. આ દિવસે જો કોઈ ભાવિક પાલિતાણા ખાતે એક ઉપવાસ કરે તો બ્રહ્મહત્યા, સ્ત્રીહત્યા અને ગૌહત્યાના પાપમાંથી મુકત થાય છે.જૈન સાધુ, સાધ્વીજી ભગવંતો કારતકી પૂર્ણિમાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ અને એક શહેરમાંથી બીજા શહેર તરફમક વિહારનો પ્રારંભ કરે છે. ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે સાધુ ભગવંતોએ રહીને ધર્મધ્યાન કર્યુ હોય છે. જયારે આ પૂનમથી ૯૯ યાત્રાનો પણ પ્રારંભ કરાશે. જેમાં ચોકકસ દિવસોમાં ૧૦૮ યાત્રા પુર્ણ કરે છે. આ દિવસથી છરીપાલક સંઘના પ્રવેશની શરૂઆત પણ થાય છે. હાલમાં ૫૦ થી વધુ છરીપાલક સંઘ નોંધાયા છે. તેમજ હજુ પણ નોંધણી કાર્ય શરૂ છે. ફેબુ્રઆરી સુધીમાં ૭૦ થી વધુ સંઘો પાલિતાણા આવે છે. આ વર્ષે ૮ થી વધુ જગ્યાએ ૯૯ યાત્રાનો પ્રારંભ પૂનમથી થશે. આ સાથે તમામ દુકાનદારો, રોજીંદી મજુરી કરતા મજુરો, ડોળી કામદાર સહિતના ધંધા રોજગાર ધમધમતા થશે. આ અવસરે પાંચ હજારથી વધુ યાત્રિકો યાત્રા કરી ધન્યતા અનુભવશે. જે લોકો યાત્રા કરી શકતા નથી તેઓ શેત્રુંજય તીર્થની ભાવયાત્રા પણ કરે છે. યાત્રાને લઈને ભાવનગર જિલ્લાના પોલીસ તંત્ર સહિતના સરકારી તંત્રવાહકો દ્વારા પણ જરૂરી વ્યવસ્થાઓ પરિપુર્ણ કરાઈ છે.
યાત્રાધામ પાલિતાણા ખાતે શરૂ થનારી કારતકી પૂર્ણિમાની યાત્રાને લઈને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા યાત્રાના આરંભથી લઈને જય તળેટી થઈ શેત્રુંજય ગિરિરાજદાદાના દરબાર સુધી જરૂરી તમામ સુચારૂ વ્યવસ્થા પુર્ણ કરી હોવાનું મેનેજર અપુર્વભાઈ શાહએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, યાત્રિકો માટે પર્વત ચઢતા રસ્તામાં કાચા પાણી, પાકુ પાણી (ઉકાળેલુ પાણી), મેડીકલ કિટ સહિત જરૂરીયાત પૂરતો સિકયુરીટી દ્વારા બંદોબસ્તની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે.