મોરબી ઝુલતા પુલની ઘટના બાબતે, પુલ મેન્ટેનન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: ગઈ કાલના રોજ ઝુલતા પુલ પર લોકોની સંખ્યા વધી જતા મોરબીની સાન સમો ઝુલતો પુલ વચ્ચેથી કટકા થઈ તુટી પડયો હતો જેમાં ૫૦થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને ૧૫૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે આ પુલ તુટવા પાછળ જવાબદાર ઝુલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી તથા મેનેજમેન્ટ કરનાર એજન્સી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે કે ગત તા. ૩૦-૧૦-૨૦૨૨ ના રોજ મોરબી ખાતે મચ્છુ નદિ પર આવેલ ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર ગઈ કાલના સાંજના સમયે તુટી ગયેલ હોવાથી આશરે ૫૦ થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ છે તથા આશરે ૧૫૦ થી વધુ વ્યકિતઓને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હોય આ બ્રીજનુ સમારકામ તથા મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિત/એજન્સીઓએ આ બ્રીજનુ યોગ્ય રીતે સમારકામ/મેન્ટેનન્સ તથા કવોલીટી ચેક કર્યા, યોગ્ય કાળજી રાખ્યા વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહી કરી તેમના આવા ગંભીર બેદરકારી તથા નિષ્કાળજી ભરેલ કૃત્યના કારણે આ ઝૂલતા પુલ ઉપર પ્રવાસન અર્થે આવતા આમ નાગરીકોનું મૃત્યુ નીપજવાનો તથા શારીરીક હાની પહોંચવાની સંભાવના તથા જાણકારી હોવા છતાં, સામાન્ય માણસની જિંદગી જોખમાય તેવુ જાણતા હોવા છતા આ બ્રીજ તા.૨૬/૧૦/૨૦૨૨ના રોજ ખુલ્લો મુકેલ જેના કારણે આ દુઃખદ ઘટના બનવા પામેલ હોય જે ઘટનામાં આશરે ૫૦ થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ હોય તથા આશરે ૧૫૦ થી વધુ લોકોને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હોય જેથી આ મચ્છુ નદિ પર આવેલ ઝુલતા પુલનુ સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિતઓ/એજન્સીઓએ ગુન્હો કર્યા હોવાથી તેમના વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી જવાબદાર પુલનુ સમારકામ, મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર વ્યકિતઓ/એજન્સીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ- ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.