મોરબીમાં પાટીદાર કોરોના કેર સેન્ટરમાં કોવીડ દર્દીઓને આધ્યાત્મિક ઊર્જા આપવાનો નમ્ર પ્રયાસ
મોરબી: હાલમાં કોરોનાના દર્દીઓને શારીરિક ઉપરાંત માનસિક આરોગ્યની ચિંતા પણ એટલી જ મહત્વની હોવાનું સામે આવ્યું છે ત્યારે અહીં મોરબીના પાટીદાર કોરોના કેર સેન્ટર મધ્યે સંચાલકો દ્વારા દર્દીઓને આધ્યાત્મિક ભર ઊર્જા આપી શાંત્વના આપવાનો સ્તુત્ય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
મોરબીના જોધપર (નદી) પાટીદારી કોરોના કેર સેન્ટર ખાતે આવેલ પાટીદાર વિદ્યાર્થી ભવનમાં કોવીડના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ ઉભા કરીને દર્દીઓની સેવા શુશ્રૂષા કરવામાં આવી રહી છે. જોકે સંચાલકો દ્વારા દર્દીઓને માનસિક બળ મળે તે હેતુથી સેન્ટરમાં સંધ્યા આરતી કરવામાં આવી હતી.

સંધ્યા આરતીમાં અહીં સારવાર લઇ રહેલ દર્દીઓ પોતાની બાલ્કનીમાં ઉભા રહીને સંધ્યા આરતીમાં ભાગ લે તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સંચાલકોના સંકલનમાં રહી કોવીડ કેર સેન્ટરની મહિલા મેડીકલ ટીમ દ્વારા દર્દીઓને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરવા તેમજ માનસિક રીતે સ્વસ્થ થાય તે હેતુથી રેકોર્ડેડ આરતીના સુરો લાઉડ સ્પીકર પર રેલાવીને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરતી દરમિયાન અહીંના દર્દીઓએ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા તમામ દર્દીઓએ બાલ્કનીમાં દૂર દૂર ઉભા રહી કે બેસીને આરતીનો લાભ લઇ આધ્યાત્મિક શક્તિનો સંચાર કર્યો હતો. કોવીડ કેર સેન્ટર મધ્યે આ પ્રકારે દર્દીઓમાં માનસિક તણાવ ઓછો કરવા માટે ભક્તિમય વાતાવરણ ઊભુ કરવાનો આ પ્રયાસ પ્રેરણાદાયી રહ્યો હતો.
