મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ છગનભાઈ શિહોરા અને ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા દ્વારા કોરોના દર્દીઓ માટે યોગ્ય સગવડતા કરવા રજૂઆત કરવામાં આવી છે. જે રજૂઆતમાં જણાવ્યા અનુસાર મોરબી જીલ્લામાં હાલમાં કોરોના પરિસ્થિતીની ગંભીરતાને ધ્યાને લઇ મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી દ્વારા મોરબી જીલ્લાની મુલાકાત લેવામાં હતી.
જેમાં કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી મોરબીમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે લેબ ચાલુ કરાવવા માટે જણાવેલ હતું. અને હાલમાં તે લેબ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હાલ મોરબી જીલ્લામાં કારોના દર્દીઓ માટે સરકારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ, ઓકસિજન અને રેડિસીવર ઇન્જેકશનની ખુબજ મોટા પ્રમાણમાં અછત ઉભી થઇ છે. જેથી દર્દીઓની હાલત કફોડી અને દયાજનક બની ગઇ છે. જેથી કરી મોરબીના આ કોરોના દર્દીઓ માટે બેડ, ઓકસિજન અને રેમડિસીવર ઇન્જેકશનની વ્યવસ્થા કરી આપવા મોરબીની પ્રજા તરફથી મૌખીક અને ટેલીફોનીક અનેક રજુઆતો કરવામાં આવે છે.
તો સમગ્ર મોરબી જીલ્લામાં સરકારી/પ્રાઇવેટ હોસ્પિટલોમાં બેડ, ઓકસિજન અને રેમડિસીવર ઇન્જેકશનની તાત્કાલીક વ્યવસ્થા થાય અને સંબંધિત વિભાગને સૂચના અપાય તેવી અમારી મોરબી જનતા તરફથી મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
વધુમાં જે જગ્યાએ રેમડિસીવર ઇન્જેકશન ઉપલબ્ધ છે. તે જગ્યાએ તથા આર.ટી.પી.સી.આરનો પોઝીટીવ રીપોર્ટનો આધાર ન હોય તો ઇન્જેકશન આપવામાં આવતા નથી અને દર્દીઓ ના સગાને ઇન્જેકશન મળતા નથી અને હતાશ થઇ પરત ફરવું પડે છે. જયારે આર.ટી.પી.સી.આર નો રીપોર્ટ આવવામાં ૪૮ કલાક જેટલો સમય લાગે છે અને જેથી ઘણું મોડુ થઇ જાય છે. તો દર્દીના સગા પાસે રેડિસીવર ઇન્જેકશન, આર.ટી.પી.સી.આર નો રીપોર્ટ ન હોય અને સીટીસ્કેન અને ડોક્ટરનું લખાણ હોય તેને માન્ય રાખી રેમડિસીવર ઇન્જેકશન આપવામાં આવે તેવી પણ સુચના સંબંધિત વિભાગને કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.