મોરબી: મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરવા બાબત ચાર શખ્સોએ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી યુવાનને માર માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
મળતી માહિતી મુજબ મોરબીનાં મહેન્દ્ર નગર રોડ પર આવેલ ગોપાલ સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટનાં ધંધાર્થી મોહિતભાઈ મનસુખભાઇ ઘોડાસરા (ઉ.વ.૩૨)એ રામજીભાઈ ડાયાભાઈ પરમાર(રહે.રાપર), દિગુભા(મુળ રહે. કચ્છ ભુજ. હાલ મોરબી) તેમજ અજાણ્યા બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ગત તા.૧૪નાં રોજ મોરબીના ટીંબડી ગામના પાટિયા નજીક હતા ત્યારે આરોપીઓએ તે મિટ્ટી કી જમાવટ નામના વોટ્સએપ ગ્રુપમાં ગત તા. 30 જૂનનાં રોજ કેમ મેસેજ કર્યો તેમ કહી ગાળો બોલીને યુવાનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરિયાદીની કાર પર પથ્થરમારો કરીને તોડફોડ કરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.