મોરબીમાં રણછોડનગર વિસ્તારના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને સીએમને રજૂઆત
મોરબી: મોરબી નગરપાલિકામાં રણછોડનગર નામે વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર બન્યો તેને ૩૦ વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયેલ છે. આ વિસ્તારના લોકો નગર પાલિકામાં મતદાન કરે છે. અને ટેક્ષ પણ ભરે છે.
પરંતુ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે. આ વિસ્તારમાં પીવાનું પાણી ખુબજ અનિયમિત આવે છે. સફાઈની તો કોઈ વાતજ નથી, કારણ કે અહી આંતરીક રોડ જ બનાવેલા નથી. તેમજ ભૂગર્ભ ગટરની સ્થિતિ એથી પણ ખરાબ છે. સ્ટ્રીટ લાઈટો પણ ચાલતી નથી અમુક જગ્યાએ તો છે પણ નહિ. જેથી આ વિસ્તારના લોકોની સ્થિતિ જાણે કે નર્કમાં રહેતા હોય તેવી બની ગય છે.
સ્થાનિક કાઉન્સીલરોને તો પોતાનું તરભાણું ભરાય તેમાંજ રસ છે. ચાલુ ધારાસભ્ય અને રાજ્યના મંત્રીને પણ આ વિસ્તાર દેખાતો નથી તો માજી ધારાસભ્ય પણ આ બાબતે કોઈ વાત કરતા નથી. સ્થાનિક રહેવાસીઓમાં મજુરો, નાના નોકરીયાતો, રિક્ષાવાળા કે લારી ગલ્લા વાળા કે સામાંન્ય લોકો જ છે. જેથી આ લોકો પ્રત્યે બધાનું ઓરમાયું વર્તન રહેલું છે.
તો અમારી માંગણી છે કે આ વિસ્તારને અગ્રતાના ધોરણે રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની વ્યવસ્થા પૂરી પાડીને સફાઈ દરરોજ થાય તેવું કરવા જરૂરી આદેશો આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
જો આવું કરવામાં નહિ આવે તો આ વિસ્તારના લોકોને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનોનો માર્ગ લેવો પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી તેમજ આ બાબતે વહેલાસર કર્યો કરી રણછોડનગર વિસ્તારમાં પ્રાથમીક સુવિધાઓ આપવામાં આવે તે માટે ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને પત્ર દ્વારા લેખીત રજૂઆત કરી છે.





