જાહેર માર્ગો અને પબ્લિક પ્લેસ ઉપર જઈને લોકોને સરકારી કચેરી સહિતના કોઈપણ સ્થળે ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની હાકલ કરતા એસીબીના અધિકારીઓ

મોરબી : મોરબીની કોઈપણ સરકારી કે અર્ધ સરકારી સહિત સરકારના જાહેર સાહસોમાં લોકોના કામો માટે સરકારી બાબુઓ વહીવટ કરતા હોવાની અનેક ફરિયાદ વચ્ચે પણ કોઈ હિંમત કરીને આ ભ્રષ્ટાચાર સામે એસીબી સમક્ષ ફરીયાદ કરવા આગળ આવતું નથી. પરિણામે ટેબલ નીચે વહીવટ થતો જ રહે છે. આથી મોરબીમાં ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી મેદાને આવ્યું છે અને ભ્રષ્ટાચાર સામે લોકો નિર્ભય રીતે આવાજ ઉઠાવી શકે તે. માટે એસીબીએ જનજાગૃતિ અભિયાન ચલાવી લોકોને કોઈપણ જગ્યાએ સેવાના નામે વહીવટ થતો હોય તો તેની ફરિયાદ કરવા આગળ આવવાની હાકલ કરી છે.

મોરબીમાં લોકો ભ્રષ્ટાચાર સામે નિર્ભય અને નીડર બનીને જાગૃત નાગરિકની જેમ આગળ આવી ફરિયાદ નોંધાવે તે માટે લોકોને જાગૃત કરવા મોરબી એસીબીના અધિકારીઓ જાહેર રસ્તા ઉપર ઉતરી પડ્યા છે. મોરબી એસીબી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જ્યાં સમૂહમાં લોકો ભેગા થાય તેવા જાહેર સ્થળો અને જાહેર રસ્તાઓ, જેમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, જાહેર બગીચા, માર્કેટ, મોલ, બજાર તેમજ માર્ગો ઉપર એસીબીના અધિકારીઓ પહોંચીને લોકોને સમજાવે છે કે, કોઈપણ સરકારી કચેરી કે સરકારના હસ્તકના કોઈપણ વિભાગમાં પ્રજાના સેવાના કામે અધિકારી કે કર્મચારીઓ ઉપરના પૈસા એટલે લાંચ માંગે તો નીડર બનીને એસીબીનો 1064 નંબર ઉપર સંપર્ક કરવો. જેમાં એસીબીના પીઆઇ લીલા સહિતનો સ્ટાફ આ રીતે ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ અભિયાન ચલાવીને લોકોને જાગૃત કરી રહ્યા છે.

એસીબીના અધિકારીઓ રૂબરૂ જઈને લોકોને કહે છે કે, તમે નગરપાલિકા, સેવાસદન, ગ્રામ પંચાયત કે કોઈપણ સરકારી વિભાગમાં જે તે કામ માટે જાઓ ત્યારે કોઈ તમારી પાસે લાંચ માંગે તેમજ રકમ નાની હોય કે મોટી લાંચ ક્યારેય આપવી નહિ અને આવા સરકારી બાબુઓને ખુલ્લા પાડવા ફરિયાદ કરવા આગળ આવો, ફરિયાદીનું નામ ક્યારેય જાહેર કરવામાં આવ્યું નથી. એટલે જરાય ડરવાની જરૂર નથી. સરકારી સેવામાં અધિકારી કે કર્મચારીઓને એકપણ રૂપિયો આપવાનો હોતો નથી. ત્યારે ચલાવેલા આ અભિયાનથી લોકો જાગૃત થઈને અવાજ ઉઠાવશે કે કેમ તે જોવું રહ્યું.