દેશભક્તિ ગીત સાથે અચાનક જ ડાન્સ પર્ફોમન્સ શરૂ થતા લોકો પણ થીરક્યા
મોરબી: રાષ્ટ્રભક્તિના મંત્ર સાથે સેવા કાર્યો માટે સતત અગ્રેસર મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા યુવાનોમાં દેશ દાઝ પ્રજ્વલિત રાખવા હમેશા કંઈક નવું આપવામાં આવે છે ત્યારે ગઈકાલે સ્વતંત્રતા પર્વના અવસરે મોરબીમાં ફ્લેશ મોબ યોજી યંગ ઇન્ડિયા ગ્રુપના મેમ્બરોએ અદભુત ડાન્સ પર્ફોમન્સ રજૂ કરી લોકોને દેશભક્તિ ગીતો ઉપર થીરકવા મજબુર કર્યા હતા.
સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મોરબીના લોકો માટે સોની ટીવીના એક્સ ફેક્ટર અને દિલ હૈ હિન્દુસ્તાની ફેઈમ ફકીરા ખેતા ખાન ગ્રુપના સથવારે જશ્ને આઝાદી શીર્ષક હેઠળ જોરદાર કાર્યક્રમ યોજ્યા બાદ ગઈકાલે મોરબીના સ્કાય મોલ ખાતે ફ્લેશ મોબ યોજતા રવિવારને કારણે ઉમટેલી ભીડ દંગ રહી જવા પામી હતી.યંગ ઇન્ડિયા ગ્રુપના ચુનંદા ડાન્સ ગ્રુપ દ્વારા ભીડ વચ્ચે અચાનક જ જોરદાર મ્યુઝિક સાથે ડાન્સ પર્ફોમન્સ શરૂ કરાતા ઉપસ્થિત જનમેદની પણ થીરકવા લાગી હતી.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી કહે છે કે, ફ્લેશ મોબની શરૂઆત અમેરિકાના મેનહટ્ટનથી વર્ષ 2003માં થઇ હતી. ફ્લેશ મોબ અંતર્ગત કલાકારોનો સમૂહ અચાનક જ લોકોની ભીડ વચ્ચે જઈ અગાઉથી નક્કી કરેલી થીમ મુજબ પર્ફોમન્સ આપે છે. જે અન્વયે યંગ ઇન્ડિયા ગ્રુપના ટીમ મેમ્બરોએ સ્વતંત્રતા દિવસના અવસરે દેશભક્તિની થીમ ઉપર દેશભક્તિ ગીતોને બેઇઝ બનાવી અદભુત ડાન્સ રજૂ કરતા આ નવતર પ્રયોગથી લોકો ખુશખુશાલ બનવાની સાથે દેશભક્તિના રંગે રંગાયા હતા.આ કાર્યક્રમમાં યંગ ઇન્ડીયા ગ્રુપના સભ્ય તથા વાઇબ્રન્ટ ક્રું ના ભાસ્કર પૈઝા દ્વારા પરફોર્મન્સ તૈયાર કરવામાં આવ્યું હતુ.
