સિવિલ હોસ્પિટલ ખાતે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની ઉપસ્થિતિમાં આરોગ્ય કર્મચારીઓને સન્માનીત કરાયા
મોરબી: રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી અને મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર દેશમાં કોરોના રસીકરણના ૧૦૦ કરોડ ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરતાં ગુરુવારે સાંજે આરોગ્ય કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ પ્રસંગે વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરાતાં બેન્ડની સુરાવલી સાથે પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, જિલ્લા વિકાસ અધિકારીશ પરાગ ભગદેવના હસ્તે કોરોના વોરીયર્સ અને રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોરોનાની વૈશ્વિક મહામારીને દેશવટો આપવા અને નાગરિકોને આ વાયરસ સામે સુરક્ષા પ્રદાન કરવા દેશભરના નાગરિકોને આજે રસીકરણના ૧૦૦ કરોડ કોવિડ વેક્સિનના ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સિદ્ધિ હાંસલ થતાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બેન્ડની સુરાવલી સાથે આકાશમાં ફુગ્ગાઓ મુક્ત કરીને કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.
કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોલીસ, આરોગ્ય વિભાગ સહિત તમામ વિભાગના કોરોના વોરીયર્સ અને આરોગ્ય કર્મીઓએ રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરી આ મહામારી પર કાબુ મેળવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરનારને બિરદાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રંસગે ડીવાયએસપી રાધિકાબેન ભારાઇ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક દુધરેજીયા, પીઆઇ જે.એમ. આલ સહિત આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
