મોરબી : મોરબી શહેરને સૌરાષ્ટ્રના પેરિસની ઉપમા અપાવનાર મણિમંદિર જે વાઘમંદિર તરીકે પણ ઓળખાય છે જેનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતા 21 વર્ષ બાદ મોરબીની જાહેર જનતા જનાર્દન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જેથી શહેરીજનોમાં પણ આનંદની લાગણી છવાઈ છે.

મણિમંદિરનું મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે 1935 માં 30 લાખના ખર્ચે નિર્માણ કરાવ્યું હતું જેમાં 130 ઓરડાઓ અને વચ્ચે મંદિર આવેલું છે. આ મહેલમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે જોકે મણીમંદિરને વિલિંગ્ડન સેક્રેટરીએટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2001માં આવેલા ભૂકંપને કારણે મણીમંદિરમાં વ્યાપક નુકશાન થયું હોવાથી અંદાજે 20 કરોડ
રૂપિયાના ખર્ચે રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવ્યા બાદ રાજવી પરિવારે આખરે નાગરિકો માટે મણીમંદિર ખુલ્લું મૂક્યું છે. અહીં નાગરિકો સવારે 9 થી બપોરે 12 કલાક સુધી તેમજ બપોરે 3 થી સાંજે 6 કલાક દરમિયાન મુલાકાત લઈ શકશે. જો કે, મણીમંદિરમાં ફોટો અને વિડિયોની મનાઈ ફરમાવવામાં આવી છે.
