મોરબીના સામાકાંઠા વિસ્તારમાં યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત ન્યુ ક્રિષ્ના લોકમેળામાં માનવ મહેરામણ હિલોળે ચડ્યો
પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં શરૂ થયેલા ક્રિષ્ના લોકમેળામાં પણ વિનામૂલ્યે એન્ટ્રી, ફજેત ફાળકા, મોતનો કૂવો, અવનવી રાઈડ્સની મજા માણવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન ન થયું હોવાથી મોજીલા મોરબીવાસીઓ મન મુકીને મેળાનો આનંદ લૂંટી શકે એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામાકાંઠાના લોકો પણ ઘર આંગણે મેળાની મોજ માણી શકે એ માટે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં ન્યુ ક્રિષ્ના લોકમેળાનું આયોજન કરીને આ લોકમેળાને વિનામૂલ્યે એન્ટ્રી સાથે લોકો માટે ખુલ્લો મુકાયો હતો. આ ન્યુ ક્રિષ્ના લોકમેળા શરૂ થતાં માનવ મહેરામણ હિલોળે ચડ્યો છે.





મોરબીમાં સામાજિક, શૈક્ષણિક, સેવાકીય સહિત દેશહિતમાં તમામ પ્રવૃત્તિઓ કરીને લોકોમાં દેશભાવના ઉજાગર કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે મોરબીના સામાકાંઠા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો લોકો રહેતા હોય તેમને પણ ઘર આંગણે વિનામૂલ્યે એન્ટ્રી સાથે પૂરતી સુરક્ષા વચ્ચે મેળો માણવાની મોજ મળે તે માટે સોઓરડી પાસેના પરશુરામ પોટરીના ગાઉન્ડમાં ન્યુ ક્રિષ્ના લોક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં પૂરતી સુરક્ષાની સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ફજેત ફાળકા, અવનવી રાઈડ્સ સહિત મનોરંજનની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. રમકડાંના જાતભાતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. લિજ્જતદાર અને સ્વાદિષ્ટ ખાણી પીણીના સ્ટોલ પણ નાંખવમાં આવ્યા છે અને એ પણ વ્યાજબી ભાવે મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેળો આજે શરૂ થતાં લોકો પોતાના બાળકો સહિત પરિવારજનો સાથે ઉમટી પડ્યા હતા અને મેળાની મનભરીને મોજ માણી છે જો કે રાત્રે મેળાની રંગત વધુ જામે છે આજુબાજુના શ્રમજીવીઓ હોવાથી રાત્રે મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડે છે અને આજેશીતળા સાતમેં દિવસભર લોકોની નિર્દોષ આનંદની છોળો ઊડતી રહી હતી.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, સામાકાંઠાના લોકો પણ મેળો માણી શકે તે માટે આ બીજો મેળો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી નહિ પડે, એની પૂરતી તકેદારી રાખવામાં આવી છે એટલે લોકો બિન્ધાસ્ત રીતે મેળો માણી શકશે. આપણે બે મેળા ચાલુ છે. એટલે જન્માષ્ટમીના તહેવારોમાં લોકોને ફક્ત આનંદ જ આવશે.