મોરબીના નવા સાદુળકા ગામે ફેક્ટરીમાં ઝડપાયું નિમ કોટેડ યુરીયા: ઔદ્યોગિક રેઝીન બનાવવા વપરાતું હોવાનું આવ્યું સામે
મોરબી: મોરબી ખેતીવાડી વિભાગે નવા સાદુળકા ગામની સીમમાં આવેલ કારખાનામાં દરોડાની કાર્યવાહી કરી નમૂના મેળવ્યા બાદ ગઈકાલે આ કૌભાંડ આચરનાર કારખાનેદારો અને ખેડૂતોને બદલે કારખાનામાં યુરિયા સપ્લાય કરનાર તમામ વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ ધારા તેમજ રાસાયણિક ખાતર નિયંત્રણ કાયદા મુજબ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના મદદનીશ ખેતી નિયામક સંજયભાઈ ભાણજીભાઈ દલસાણીયાએ આરોપી નવા સાદુળકા ગામની સીમમાં માતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા મનોજ સવજીભાઈ અઘારા અને બંધન ગણેશભાઈ વડસોલા નામના બે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તા.૩૧-૦૨-૨૦૨૩ ના અરસામાં આરોપીઓએ Neem Coated Urea ખાતરની કુલ ૧૬૯ બેગી જેમાં એક બેગીની કિ.રૂા. ૨૨૩૬/- એમ કુલ કિ.રૂા.૩,૭૭,૯૪૬ ખાતરની ખેતી સિવાય ઔદ્યોગિક રેઝીન બનાવાના માટે ઉપયોગ કરવાના ગુન્હામાં આરોપી વિરુદ્ધ ગુન્હો રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ-૧૯૮૫ ની કલમ-૨૫(૧) તથા જરૂરી આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ-૭(૧)(એ)(૨) તથા આઇ.પી.સી.કલમ-૧૧૪ મુજબ મદદનિશ ખેતીવાડી નિયામક દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં માતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝના મનોજ સવજીભાઈ અઘારા અને બંધન ગણેશભાઈ વડસોલા તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાયદા હેઠળ પગલાં ભરવા ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનિય છે કે, માતૃકૃપા ઇન્ડસ્ટ્રીઝના માલિકો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ રેઝીન બનાવવા માટે ઉપયોગમાં લેવાતું આ ખેડૂતોને વિતરણ કરવાનું નીમ કોટેડ યુરિયા હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામના રમેશ ફુલતરીયા પાસેથી મેળવ્યું હોવાની કબૂલાત આપી હતી.