મોરબી: કહેવાય છે કે, માણસના જીવનમાં હાસ્ય અને રૂદન એક સિક્કાની બે બાજુઓ જેવું છે. હાલમાં કોરોનાના સંક્રમણને કારણે મોરબી જિલ્લામાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે ઉપરાંત વિવિધ સ્થાનો પર ઊભા કરવામાં આવેલ કોવીડ કેર સેન્ટરમાં રહીને પોતાની સારવાર કરી રહ્યા છે.
કોરોના વાયરસના સંક્રમણને લીધે માનવીના જીવનમાં અનેક પરિવર્તન આવ્યા છે ત્યારે આ પરિવર્તનોની સકારાત્મક તેમજ નકારાત્મક બન્ને પાસાઓ સામે આવ્યા છે. કોરોના જેવા મહામારીમાં માનવીએ અનેક પ્રકારની યાતનાઓ પણ ભોગવી અને કેટલાંકે તો પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં ક્યારેક વ્યક્તિની માનસીક પરિસ્થિતિ ડામાડોળ થઇ જાય તે પણ સ્વાભાવિક છે.
જોકે ગમે તેવી ગંભીર પરિસ્થિતિમાં પણ માણસે પોતાની માનસિક સંતુલન જાળવી રાખવા માટે હાસ્યરસ ઉત્તમ ઉપાય છે. ત્યારે આ પ્રકારની ગંભીર પરિસ્થિતિમાં મોરબી શહેરમાં કોવીડ દર્દીઓ માટે રઘુવંશી ક્વોરોન્ટાઇન સેન્ટર ખાતે સારવાર લઇ રહેલ દર્દીઓના મનોરંજન માટે હાસ્ય કલાકાર હિતેષ કોટેચા દ્વારા હાસ્ય રસ પીરસવામાં આવ્યો હતો. કોવીડના દર્દીઓને હાસ્ય રસ પીરસીને પોતાના દર્દને ભૂલાવીને જીવનમાં ઊર્જા પૂરી પાડવાનો અનેરો પ્રયાસ હાથ ધર્યો હતો. હાસ્ય કલાકાર હિતેષ કોટેચા દ્વારા મોરબીમાં આ પ્રયોગ થકી અન્ય જિલ્લાઓમાં પણ કોવીડના દર્દીઓના જીવનમાં નવો ઉત્સાહ પૂરો પાડવાની પ્રેરણા આપી છે.

મોરબીના સ્થાનિક અને હાસ્ય કલાકાર હિતેશભાઇ કોટેચાએ જણાવ્યું કે, હાલમાં જે ગંભીર પરિસ્થિતિ છે તેમાંથી બહાર કાઢવાનો એક પ્રયાસ કર્યો છે. હાલમાં દર્દીઓ ચિંતા, ટેન્ટશન અને બીકના કારણે માનસિક આઘાત અનુભવી રહ્યા છે. દર્દીઓ પણ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરમાં નર્સ અને ડૉક્ટરની કામગીર જોઇને થાકી ગયા છે. ત્યારે દર્દીઓને લાફીંગ થેરાપી દ્વારા તેઓની આસપાસનું વાતાવરણ હળવુ ફૂલ, પ્રફૂલ્લીત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આનાથી દર્દીઓના માનસિક સ્વાસ્થ્યમાં હકારાત્મક અસર જોવા મળી છે.
કોવીડ કેર સેન્ટરના સંચાલક પૈકી રૂચીભાઇ કારિયાએ જણાવ્યું હતું કે, અહીં દર્દીઓને સવારથી કરીને રાત સુધી જરૂરી તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં દર્દીઓને હાસ્ય રસ પીરસીને દર્દીઓને માનસીક રીતે સાજા કરવાનો અમે પ્રયાસ કર્યો છે.
રઘુવંશી કોવીડ કેર સેન્ટરમાં ડૉક્ટર તરીકે સેવા આપતા ડૉ. યશ હિરાણીએ જણાવ્યું કે, અહીં આવતા દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે જેથી દર્દીઓને જલ્દી રિકવરી આવે છે અને પોતાના ઘરે સાજા થઇને પરત જઇ રહ્યા છે. કોવીડ કેર સેન્ટરમાં હાસ્યના માધ્યમ થકી કોવીડ કેર સેન્ટરના દર્દીઓને ખડખડાટ હસાવીને હાસ્ય કલાકાર દ્વારા કરવામાં આવતા આ સ્તુત્ય પ્રયાસ અન્ય કોવીડ કેર સેન્ટર માટે પ્રેરણાદાયી બની રહેશે.
