મોરબી જીલ્લાના માળિયા તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી સપ્લાય થતું પાણી અનિયમિત અને અપૂરતું મળતું હોવાથી તેનું યોગ્ય નિરાકરણ કરવા બાબતે ઇન્ટરનેશનલ હ્મુમન રાઇટ્સના જનરલ સેક્રટરી કાંતિલાલ ડી બાવરવા એ પાણીપુરવઠા વિભાગના મંત્રી ઋષીકેશભાઈ પટેલને લેખિત રજુઆત કરી છે.
તેમણે લેખીત રજુઆતમાં જણાવ્યું હતું કે, માળિયા તાલુકાના ગામોના અમારા પ્રવાસ દરમ્યાન જણાવવામાં આવેલ હતું કે પીપળીયા ચાર રસ્તાએ આવેલ સંપ તેમજ ઓવર હેડ ટેંક દ્વારા આજુબાજુના જે વિસ્તાર ના ગામોમાં પીવાનું પૂરું પાડવામાં આવે છે. તે વિતરણ વ્યવસ્થાની ખામી હોય કે સ્ટાફની ઘટ હોય કે કોઈ ગોલમાલ થતું હોય પરંતુ આ વિસ્તારના ગામોને હાલ માં પુરતું પાણી મળી રહ્યું નથી. આજ રીતે આ વિસ્તારના ગામો કુંતાસી, બોડકી, ન્યુ નવલખી, વર્ષામેડી, ગામનો જુમાવાડી, ખીરસરા, નાના દહીસરા, મોટા દહીસરા, બગસરા, નાના ભેલા, મોટા ભેલા, ભાવપર, મોટીબરાર,નાની બરાર, જસાપર, જાજાસર -મેઘપર, દેરાળા, તરઘરી, ચાચાવદરડા, સરવડ વગેરે ગામો ને નિયમિત તેમજ પુરતું પીવાનું પાણી મળતું નથી.
વધુમાં કાંતિલાલ બાવરવાએ લેખિતમાં જણાવ્યું છે કે, હાલમાં જયારે મચ્છુ-૨ ડેમમાં પુરતો પાણીનો જથ્થો છે. સિંચાઈ માટે પણ પાણી કેનાલ માં છોડવામાં આવેલ છે. તેમ છતાં આ ગામોને કેમ નિયમિત અને પુરતું પાણી મળી રહ્યું નથી. જો આ બાબતે દિવસ સાતમાં યોગ્ય કરવામાં નહી આવે તો, આંઠ દિવસ બાદ દરેક ગામોનો અમો પ્રવાસ કરીશું અને લોકોની સમસ્યા જાણીને આગળના પ્રોગ્રામો નક્કી કરીશું. અમો આ ગામો ના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યક્રમો આપીશું.