પ્રાકૃતિક ખેતી થકી વિજયભાઇ જાદવએ માસ્તર ટ્રેનર બની આશરે ૪૦૦ લોકોને આપી તાલીમ…
વર્ષ ૨૦૨૩માં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તેથી જાદવને સજીવ ખેતીનો પુરસ્કાર એનાયત
પ્રાકૃતિક ખેતીમાં જીવામૃતના ઉપયોગ થકી ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ
પ્રકૃતિના જતન માટે પ્રાકૃતિક કૃષિ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ત્યારે દરેક ખેડૂત મિત્રો પ્રાકૃતિક ઢબે કૃષિ કરતા થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજે વાત કરીએ રાજકોટના પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતની.
પ્રાકૃતિક કૃષિમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના પાંચ તલાવડા ગામના ખેડૂત પુત્ર વિજયભાઈ જાદવે જણાવ્યું કે, કોઈ પણ પાકનો આધાર માટીમાં સમાયેલા વિવિધ તત્વો પર રહેલો છે. જમીનની ફળદ્રુપતા વધારવા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખુબ જ મહત્વનું કામ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે જમીનની માટીને વધુને વધુ ફળદ્રુપ બનાવવી એ તેઓનું પ્રથમ લક્ષ્ય છે. જેના લીધે પાકના ઉત્પાદન સમયે જમીનની ફળદ્રુપતા વધારવા તેઓએ ઇકોસિસ્ટમની(નિવસન તંત્ર) પધ્ધતિ અપનાવી હતી. આમ, પ્રાકૃતિક ખેતી થકી જીવામૃત અને ઘન જીવામૃત થકી પાકને વધુને વધુ ફળદ્રુપ બનાવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિને કારણે જમીનમાં મિત્રકીટકની સંખ્યામાં વૃદ્ધિ થાય છે અને જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે. જેથી જમીન ફળદ્રુપ બને છે. અળસિયાં જેવા મિત્રજીવો જમીનમાં અસંખ્ય છેદ બનાવે છે, જેને કારણે કુદરતી રીતે જળ સંચય શક્ય બને છે. વિજયભાઈ તેમની નવ વીઘા જમીનમાં મગફળીના પાક સાથે મકાઈ, સુરજમુખી અને કપાસના પાક સાથે મગ, મકાઈ અડદના પાકો એમ મિશ્રપાકોની વાવણી કરે છે. જેના થકી મિશ્રપાકોમાં મિત્ર કીટક અને શત્રુ કીટકના ઉપયોગ થકી પાકોમાં રોગચાળો ઓછો થાય છે અને પાકની સમૃદ્ધિ વધે છે. આ પદ્ધતિના લીધે વર્ષ ૨૦૨૩ના રવિ કૃષિ મહોત્સવમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે વિજયભાઈ જાદવને સંશોધન અને સજીવ ખેતીના ક્ષેત્રના પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. તેમજ તેઓ ખેતરના વિવિધ પાકના પર્ણોમાંથી પાક માટે ફાયદાકારક દસપર્ણીય અર્ક બનાવે છે.
વિજયભાઈ જાદવે જણાવ્યું કે, સરકારના “પ્રોજેક્ટ આત્મા” અંતર્ગત ૧૨ ખેડૂત મિત્રોનો સમૂહ બિયારણની બેક્ટેરિયા સહિતની કીટ મેળવે છે. તેમજ તેઓને ત્રણ દેશી ગાયના નિભાવ ખર્ચ પેટે માસિક રૂ. ૯૦૦ પ્રતિ ગાય લેખે રૂ. ૨૭૦૦નો લાભ પણ મળે છે. વિજયભાઈએ સુભાષ પાલેકરની વિવિધ શિબિરોમાં ભાગ લઈને પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી હતી. તેમજ આજે પ્રાકૃતિક ખેતી થકી તેઓ તેમની આસપાસના વિસ્તારના ખેડૂતોને પણ ખુબ પ્રેરિત કરે છે. તેઓ પ્રોજેક્ટ આત્મા અંતર્ગત કોટડાસાંગાણીના પાંચ તલાવડા ગામના માસ્ટર ટ્રેનર તરીકે અનેક ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યાં છે.
આ ઉપરાંત તેઓએ પોતાના ખેતરમાં કરેલા દરેક પ્રયોગો અને તેના પરિણામો દ્વારા યુવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. જેમાં તેઓ રાજ્યભરના ખેડૂત મિત્રોને સોશિયલ મીડિયાના માધ્યમથી થકી તાલીમ આપે છે. રાજ્યમાં કૃષિ સંશોધન ક્ષેત્રે પ્રગતિથી ખેડૂતોને માસ્ટર ટ્રેનર તરીકે વિવિધ શિબિરો યોજીને પ્રાકૃતિક ખેતી તરફ જાગૃત થાય તે માટે ૪૦૦ ખેડૂતમિત્રોને તાલીમ આપી અને તેઓ ધરતીની ફળદ્રુપતા વધે તે માટે પ્રાકૃતિક ખેતી માટે હરહમેંશ પ્રયત્નશીલ રહ્યા છે.