Friday, May 9, 2025

ધ્રાંગધ્રા ખાતે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ દ્વારા નિર્માણ થનાર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો.

Advertisement
Advertisement
Advertisement

ધ્રાંગધ્રા ખાતે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ દ્વારા નિર્માણ થનાર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો.

મોરબી: ધ્રાંગધ્રા ખાતે પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી સહિત સંતગણ, હરિભક્તો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ દ્વારા નિર્માણ થનાર મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે સમાજસેવાના આ કાર્યમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી આપણે ફ્રી વેક્સીન, ફ્રી રાશન અને ફ્રી સારવારની મદદથી બહાર આવ્યા છીએ. જન સ્વાસ્થ્ય માટે સદાય ચિંતિત વડાપ્રધાન આવનારી મુશ્કેલીઓને પારખી તેમને નિવારવા માટે ઉપાય સુચવતા હોય છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, બદલાયેલી જીવનશૈલીના કારણે વર્તમાન સમયમાં પ્રમાણમાં નાની ઉંમરે લોકો બી.પી., ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોનો ભોગ બની રહ્યા છે અને ખેતીમાં રસાયણોનો વધુ પડતો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય અને જમીનની ગુણવત્તા પર હાનિકારક અસરો નિપજાવી રહ્યો છે ત્યારે આ જોખમને નિવારવા પ્રધાનમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકાર વધુ ને વધુ લોકો પ્રાકૃતિક ખેતી અપનાવે તે દિશામાં કામગીરી કરી રહી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે, તેના લાભો વિશે જાગૃતિ વધે, તેના ઉત્પાદનનું સારામાં સારું વળતર મળે તે માટે વાવેતરથી પેકેજીંગ અને વેચાણ સુધીના સ્તરે ખેડૂતોને માર્ગદર્શન અને સહાય પુરા પાડવામાં આવી રહ્યા છે. આ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે લાંબા ગાળે ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે ખૂબ લાભદાયક નીવડશે.

ખાન-પાનની ખોટી આદતો અને તેની વિપરીત અસરો વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આહારમાં રાગી, જવ, બાજરો જેવા બરછટ ધાન્યોનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉપકારક છે અને તેને ધ્યાનમાં રાખી સંયુકત રાષ્ટ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૨૩ને ‘ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ એટલે કે ‘આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ’ તરીકે ઉજવવાના પ્રસ્તાવને વિશ્વભરના ૭૦થી વધુ દેશોએ સમર્થન આપ્યું છે. જે વડાપ્રધાનની લોકપ્રિયતા અને દુરંદેશીના દર્શન કરાવે છે.

સામાજિક ક્ષેત્રે સ્વામિનારાયણ સંપ્રદાયની કામગીરી અને પ્રદાનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની આફત, મુશ્કેલી સમયે દેશ અને સમાજને મદદ કરવામાં સંપ્રદાય હર હંમેશ સરકારની સાથે રહ્યો છે. ૧૦૦ બેડની આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ પૂર્ણ થયે આસપાસના વિસ્તારના નાગરિકો માટે તે આશીર્વાદરૂપ બની રહેશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે સંસ્કારધામના સ્વામી રામકૃષ્ણદાસજીએ આશીર્વચન પાઠવીને અંદાજીત રૂ. ૨૦ કરોડના ખર્ચે ૪૪ હજાર ચો.ફૂટના વિસ્તારમાં આકાર પામનાર ૧૦૦ બેડની મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે દાન આપનાર દાતાઓનો આભાર માન્યો હતો.

Related Articles

Total Website visit

1,502,820

TRENDING NOW