તા.૨૫મી સપ્ટેમ્બર પ્રખર દેશભક્ત અને ગરીબોના હિતેચ્છુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ૧૦૮મી જન્મ જયંતિ….
અંત્યોદયના સૂત્રને સાર્થક કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓ લઇને સરકાર પહોંચે છે
કોઈપણ દેશ પોતાનાં મૂળ કાપીને વિકાસ ન સાધી શકે: પંડિત દીનદયાળ ઉપાધ્યાય
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા દેશ વિઝન @૨૦૪૭ને ધ્યાનમા રાખીને આગળ વધી રહ્યો છે. સમાજ અને દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે જ્યારે વિકાસના ફળરૂપી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દૂર-દરાજના ગરીબ માણસને પણ મળે.ગરીબ પરિવારોને સરકાર દ્વારા મળતું રાશન અંત્યોદય યોજનાથી ઓળખાય છે.આ ઉપરાંત અંત્યોદયના નામથી અનેક જન કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. જેનો હેતુ સમાજના અંતિમ વ્યક્તિને લાભાન્વિત કરી સમાજ અને દેશની મુખ્ય ધરી સાથે જોડવાનો છે. તા.૨૫મી સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ ઉત્તરપ્રદેશમા જન્મેલા પ્રખર દેશભક્ત અને ગરીબોના હિતેચ્છુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે ૧૦૮મી જન્મ જયંતિ છે.
તેમણે એકાત્મમાનવ દર્શનનો વિચાર તથા અંત્યોદયનો નારો આપ્યો હતો. અંત્યોદયનો અર્થ થાય છે સમાજના નિમ્ન સ્તરમાં રહેલી વ્યક્તિનું ઉત્થાન.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનુ કહેવુ હતુ કે, ‘કોઈપણ દેશ પોતાનાં મૂળ કાપીને વિકાસ ન સાધી શકે.આજે દેશના અલગ અલગ સ્થળે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા કોલેજો,યુનિવર્સિટીઓ,હોસ્પિટલો, ભવનો,એરપોર્ટ ખાતે જોવા મળે છે. જેનાથી દીનદયાળજીનાં સિદ્ધાંતો અને વિચારોને અનુસરવા નાગરિકોને સતત પ્રેરણા મળે છે.સરકાર અંત્યોદયના સૂત્રને સાર્થક કરી સમાજના અંતિમ વ્યક્તિ સુધી કલ્યાણકારી યોજનાઓ લઇને પહોંચે છે.દીનદયાળ ઉપાધ્યાયજીએ આપણને અંત્યોદયનો માર્ગ દર્શાવ્યો હતો,જેમાં સમાજનાં છેવાડાનાં માણસનાં ઉત્થાનની વાત છે.આ વિચારમાંથી પ્રેરણા મેળવીને પ્રધાનમંત્રીના રાષ્ટ્ર નિર્માણના પ્રકલ્પો અન્વયે ૨૧મી સદીનુ ભારત અંત્યોદય માટે કામ કરી રહ્યું છે.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ ૨૫મી સપ્ટેમ્બર ૧૯૧૬ના દિવસે ઉત્તરપ્રદેશના મથુરા જિલ્લામા તથા અવસાન મુગલસરાય રેલવે સ્ટેશન પર થયુ હતુ.તેઓના પિતા ભગવતીપ્રસાદ ઉપાધ્યાય રેલવેમાં આસિસ્ટંટ સ્ટેશન માસ્તર હતા. બાળપણમાં જ દીનદયાળ ઉપાધ્યાયે માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. તેઓ મોસાળમાં મોટા થયા હતા. અભ્યાસમાં તેજસ્વી દીન દયાળ જનસંઘના સંસ્થાપકો પૈકી એક હતા અને ૧૯૬૭માં જનસંઘના અધ્યક્ષ પણ બન્યાં.દીનદયાળ ઉપાધ્યાયે કરેલાં ભગીરથ કાર્યને લીધે જ તેઓની જન્મજયંતિ ૨૫ સપ્ટેમ્બર ‘અંત્યોદય દિવસ’ તરીકે ઉજવવામા આવે છે. વર્ષ ૨૦૧૪થી આ દિવસની ઉજવણી કરવામા આવે છે.તેમણે એકાત્મ માનવવાદ,સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને ભારતીયકરણનું આહવાન કર્યુ.તેમની યાદમા સરકારે ટપાલ ટીકીટો પણ બહાર પાડી છે.રાજકોટ જિલ્લામા અસંખ્ય લાભાર્થીઓ પંડિત દીન દયાળ ઉપાધ્યાયના નામની અને અંત્યોદય નામની યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે.દીન દયાળ ઉપાધ્યાય પોતે પ્રખર રાષ્ટ્ર ભક્ત હતા.તેમણે સર્વોદય (સૌની પ્રગતિ),સ્વદેશી (ઘરેલું)અને ગ્રામ સ્વરાજ(ગામડાનું સ્વ-શાસન)જેવા સિદ્ધાંતો આપ્યા હતા અને સાંસ્કૃતિક-રાષ્ટ્રીય મૂલ્યોનુ મહત્વ સમજાવ્યું હતુ.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં અંત્યોદયથી સર્વોદયનો સૂરજ ઊગ્યો છે અને છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી આશારૂપી વિકાસના કિરણો પહોંચ્યા છે.