આણંદ જિલ્લા પંચાયત ખાતે ગુરૂવારે મળેલી સામાન્ય સભામાં એજન્ડાના ૧૧ કામોને મંજૂર કરાયા હતા. જેમાં તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના ઠરાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. તેમજ આણંદવાડીઓમાં પાણી, પંખા માટે તથા આરોગ્ય વિભાગને કુલ ૬૫ લાખની ફાળવણી કરાઈ હતી. ઉપરાંત ૮૦ શાળા, ૪૦ પીએચસી અને ૮ તાલુકા પંચાયત કચેરીમાં સોલાર કીટ લગાવવામાં આવશે.
આણંદ જિલ્લા પંચાયતના સભાખંડમાં ગુરૂવારે બપોરે પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. સભામાં એજન્ડાના ૧૧ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં એજન્ડાના નં.૬માં તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના ઠરાવને પણ સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, તારાપુરને નગરપાલિકાનો દરજ્જો આપવાના ઠરાવને મંજૂર કરાયો છે. સત્વરે પાલિકાનો દરજ્જો મળે માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવશે. જિલ્લાને ૧૫ વર્ષ બાદ વધુ એક નગરપાલિકા મળશે.
જિલ્લાની ૮૦૦ આંગણવાડીમાં વિદ્યાર્થીઓને ગરમીથી રાહત મળે તે માટે સીલિંગ ફેન માટે રૂ.૨૫ લાખ, આંગણવાડીમાં ચોખ્ખા પાણી માટે રૂ.૨૫ લાખ, આરોગ્ય વિભાગના મકાનમાં બાંધકામ માટે રૂ.૧૦ લાખ અને સગર્ભાની સારવારના સાધનો માટે રૂ.૫ લાખ મળી કુલ રૂ.૬૫ લાખની ફાળવણી કરવામાં આવી હતી.
તેમજ ગેડા (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા અંદાજે રૂ.૩ કરોડની ૨૦૦૦ કેવી ઉત્પાદનની સોલાર કીટ વિનામૂલ્યે આપવામાં આવશે.જેને ૮૦ શાળાઓ અને ૪૦ પીએચસીમાં તથા જિલ્લાની ૮ તાલુકા પંચાયતના મકાનોમાં બેસાડવામાં આવશે. પરિણામે વીજ બિલમાં રાહત મળશે.
તારાપુરને પાલિકાનો દરજ્જો અપાતા જિલ્લામાં ૧૨ નગરપાલિકાઓ થશે
આણંદ જિલ્લામાં હાલમાં આણંદ, આંકલાવ, બોરસદ, કરમસદ, વિદ્યાનગર, ઓડ, સોજિત્રા, ખંભાત, બોરિયાવી, પેટલાદ, ઉમરેઠ મળી કુલ ૧૧ નગરપાલિકાઓ આવેલી છે. તેવામાં તારાપુર ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તો જિલ્લામાં કુલ ૧૨ નગરપાલિકાઓ થશે.
તારાપુરના સરપંચને સસ્પેન્ડ કરાતા ૯ મહિનાથી પંચાયતમાં વહીવટદારનું શાસન
ચરોતર અને સૌરાષ્ટ્રને જોડતું મુખ્ય મથક તારાપુર ભાલિયા ઘઉંના ઉત્પાદનમાં મોખરે છે. અંદાજે ૨૪ હજારની વસ્તી ધરાવતા તારાપુર ગ્રામ પંચાયતમાં ૧૮ વોર્ડ આવેલા છે. પંચાયતની ગત ૨૦૨૨માં યોજાયેલી ચૂંટણીમાં સોજિત્રાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ માધાભાઈ પરમારે જીત મેળવી સરપંચ બન્યા હતા. જોકે, સરપંચ સામે પંચાયતની આકારણીમાં ગેરરીતિ, કર્મચારીઓની ભરતી, ખોટા ડીઝલ બિલ સહિત ૨૧ ગેરરીતિઓ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદો થઈ હતી. પરિણામે તા.૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ સરપંચ પૂનમભાઈ અને તેમના ભાભી અને ડેપ્યુટી સરપંચ સરિતાબેન કનુભાઈ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ત્યારથી અત્યારસુધી તારાપુર ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન છે.