ટંકારાના રામદેવપીર મંદિર ખાતે ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપતભાઇ ગોધાણીના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં ટંકારા તાલુકો 20 વર્ષથી અસ્તિત્વમાં હોવા છતાં ટંકારામાં ઘણી બધી સુવિધાઓનો અભાવ હોય ટંકારામાં તાલુકા કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં મોરબી જિલ્લા ક્રોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, નિરીક્ષક કરણસિંહ જાડેજા, ધારાસભ્ય લલિત કગથરા, કે.ડી.પડસુંબિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકમાં ટંકારા તાલુકામાં વર્ષ 2019 માં અતિવૃષ્ટિને કારણે તૂટેલા ચેકડેમો, તળાવો, નદીઓ ઉપરના પુલિયાઓને રીપેર કરવા, ટંકારા તાલુકામાં ફાયર બ્રિગ્રેડની સુવિધા, પાણી પુરવઠા કચેરી, મામલતદાર ઓફીસ, તાલુકા પંચાયતમાં સ્ટાફ ઘટ, હોસ્પિટલમાં એમડી સહિતના ડોક્ટરોની નિમણુંક તથા જરૂરી આરોગ્ય સુવિધાઓ, બાગ બગીચા રમત ગમતના મેદાન, પુસ્તકાલય, મોરબી રાજકોટ હાઇવેનું ધીમી ગતિએ ચાલતું કામ, ટંકારા પાસે ઓવરબ્રીજનું ઢંગધડા વગરનું ચાલતું કામ તેમજ કંગના રાનાવતના દેશની આઝાદી અંગેના વિવાદાસ્પદ વિધાન સામે લડત ચલાવવા સરકારમાં રજુઆત કરવાનું નક્કી કરાયું હતું.
